ગાંધીનગરઃ તાજેતરમાં મહિલા વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી વડોદરાના રાધા યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં તેમણે વિશ્વકપની ફાઈનલ મેચમાં રમવાનો અનુભવ જણાવ્યો હતો. રાધા યાદવનો આ મહિલા ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે સમાવેશ થયેલો હતો. તેમણે 2018માં દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સામેની ભારતીય મહિલા ટીમમાં પહેલીવાર સ્થાન મેળવીને 20-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
અભિનંદન પાઠવ્યાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધા યાદવનું સાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી. આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ડો. મનિષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાધા યાદવ પોતાના વતન પરત ફરી એ સમયે વડોદરામાં એમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાધા યાદવના સન્માનમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમના માતા-પિતા પણ જોડાયા હતા. રાધા યાદવ વર્ષ 2018થી વડોદરાના કારેલીબાગ સ્થિત એકેડેમીમાં તેના કોચ મિલિન્દ વરાડેકર તાલિમ લઈ વિશ્વકપ સુધી પહોંચી છે.
સર હમને કર દિખાયાઃ વડોદરાના કોચ મિલિન્દ વરાડેકરે જણાવ્યું કે, રાધાનો ફોન વર્લ્ડ કપ જીત્યા બાદ આવ્યો હતો. તેમણે વિજયના ઉમંગમાં કહ્યું હતું કે “સર હમને કર દિખાયા” નગરસેવિકા શ્વેતા ઉત્તેકરે જણાવ્યું કે શરૂઆતના દિવસોમાં રાધાની આર્થિક સ્થિતિ સારી ન હતી, ત્યારે એકેડમીએ તેને ઘણી મદદ કરી હતી. હવે રાધા યાદવ પોતે પણ એકેડમીમાં આવતા જરૂરિયાતમંદ ખેલાડીઓ માટે સાધનોની મદદ કરે છે. જે તેની ઉદારતા દર્શાવે છે.