અમદાવાદઃ રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. દિવસે દિવસે દરેક શહેરના તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર સૌથી ઠંડા રહ્યા બાદ સોમવારે (તા.10 નવેમ્બર 2025) 13 ડિગ્રી સાથે અમરેલી જિલ્લો સૌથી ઠંડો રહ્યો હતો. દિવસ કરતા રાતનું તાપમાન નીચું રહ્યું હતું. જ્યારે કચ્છ પાસેના નલિયામાં 13.4 ડિગ્રી તાપમાન નોંઘાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. મંગળવાર (તા.11 નવેમ્બર 2025)થી ચાર દિવસ સુધી ઠંડી ભુક્કા બોલાવશે. ઠંડીનો ચમકારો અનુભવાશે.
ક્યાં કેટલું તાપમાનઃ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં દિવસ કરતા રાતનું તાપમાન ઓછું નોંધાઈ રહ્યું છે. જોકે, બપોરના સમયે ગરમીનો અહેસાસ થતા ડબલ ઋતુ હોવાનું અનુભવાઈ રહ્યું છે. જ્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ધુમ્મસ જોવા મળતા ઠંડી વધશે એવા એંધાણ વર્તાય રહ્યા છે. સોમવારે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું જ્યારે રાજકોટનું 16 ડિગ્રી, સુરતનું 18.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14.6 ડિગ્રી, દીવમાં 16 ડિગ્રી તાપમાન નોંઘાયું હતું.હવમાન નિષ્ણાંત રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર પવનની દિશામાં ફેરફાર થતા ઠંડીમાં વધારો થશે. ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફ પવન વહેતા ઠંડીનું જોર વધશે. ઉત્તર દિશા તરફથી વહેતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે. જેના કારણે દિવસ કરતા રાત્રે વધારે ઠંડી અનુભવાય છે.
ઠંડી વધશેઃ રાજ્યના મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. આ શક્યતાને પરિણામે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી વધારે અનુભવાશે. જ્યારે ઠંડા પવનોને કારણે સાંજે ઠંડીનો ચમકારો વર્તાશે. ઠંડીની શરૂઆતમાં ખાસ તો કોઈ મોટો બદલાવ હવામાનમાં જોવા નહીં મળે. અમદાવાદ સહિતના મહાનગરમાં ઠંડી અનુભવાશે.