ગાંધીનગરઃ ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોને હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે પકડી પાડવાની ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યમાં તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશો આપ્યા હતા. જેના પગલે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરનારાઓને પકડી પાડવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
ડોઝિયર તૈયાર કરવા આદેશ
રાજ્યની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથેવિકાસ સહાયે તા. 17 મી નવેમ્બરે એક મહત્વની બેઠક યોજી હતી. તમામ શહેર/જિલ્લાના પોલીસ વડાઓને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું સઘન વેરીફિકેશન કરીને ડોઝિયર તૈયાર કરવાની કામગીરી આગામી 100 કલાકમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તમામ પોલીસ સ્ટેશનો દ્વારા આ પરિણામલક્ષી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે છેલ્લા 30 વર્ષના ડેટાબેઝની તપાસ કરીને કુલ 31,834 આરોપીઓનું ઘરે-ઘરે જઈને ચેકિંગ કર્યું છે.
આરોપીઓ મળ્યા
આ વેરીફિકેશન પ્રક્રિયામાં મુખ્યત્વે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાઓ અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (UAPA), ટેરેરિસ્ટ ડિસરપ્ટીવ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (TADA), NDPS એક્ટ, આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, ફેક ઇન્ડિયન કરન્સી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.પોલીસે આ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોની પૂછપરછ કરી છે. રાજ્ય પોલીસ વડાએ જાહેર કરેલા રીપોર્ટ અનુસાર ચેક કરવામાં આવેલા કુલ 31834 આરોપીઓ પૈકી 11880 આરોપીઓ એટલે કે અંદાજિત 37 ટકા આરોપીઓ મળી આવ્યા હતા.
આરોપીઓ હયાત નથી
જે તમામના ડોઝિયર ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. તે ઉપરાંત 2,326 આરોપીઓ હવે હયાત નથી. 3,744 આરોપીઓએ પોતાના સરનામાં બદલી નાખ્યા છે, તેમના નવા સરનામા આધારે ત્યાં જઈને પણ ચેકીંગ કાર્યવાહી કરાશે. 4,506 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના છે. ચેકિંગનું પ્રથમ તબક્કાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવશે.