વડોદરાઃ ઝડપની મજા ઘણીવાર સજા બની શકે છે. ગોધરા શહેર પાસે ભથવાડા ટોલનાકા પાસે તા.13 નવેમ્બરની વહેલી સવાર વડોદરાના પરિવાર માટે અમંગળ રહી. લગ્ન પ્રસંગે મધ્ય પ્રદેશ જઈ રહેલા પરિવારની કાર બેકાબૂ બની ફંગોળાઈને બીજી લેનમાં જતા અકસ્માત થયો હતો. જેમાં પાંચ વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર પલટી જતા પાંચેય વ્યક્તિ ઉછળીને પાસેના ખેતરમાં પડ્યા હતા. ઈજાગ્રસ્તોને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેતુ લઈ જવામાં આવ્યા છે.
સ્ટેરિંગ પરથી કંટ્રોલ ગુમાવ્યોઃ વડોદરા શહેરના આજવા રોડ પર ઓમકાર સોસાયટીમાં રહેતો શાહ પરિવારને મધ્ય પ્રદેશના શિહોર ખાતે લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો. વહેલી સવારે એમની કાર ભથવાડા ટોલનાકા નજીક પહોંચતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કંટ્રોલ ગુમાવતા કાર ફંગોળાઈ ગઈ હતી. હાઈવેની સાઈડમાં રહેલી રેલિંગ કૂદીને કાર સામેની બાજુમાં આવેલી લેનમાં પડી હતી. જ્યારે કારમાં બેઠેલી વ્યક્તિઓ ખેતરમાં પટકાઈ હતી. આસપાસના લોકો આ અકસ્માત જોઈને મદદ માટે દોડી આવ્યા હતા.સ્થાનિકોએ 108 બોલાવીને સારવાર માટે રવાના કર્યા હતા.
ગંભીર ઈજાને કારણે વડોદરા રીફરઃ ગોધરા હોસ્પિટલના તબીબોએ તપાસ કરતા પાંચેય વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું. તેથી તમામને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. પાંચેય વ્યક્તિને શરીરના જુદા-જુદા ભાગે ફ્રેક્ચર થયું છે. પીડાને કારણે સ્થળ પર આ પરિવાર બૂમો પાડી રહ્યો હતો. 108માં પણ બેસાડી શકાય એવી સ્થિતિ ન હતી.પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા લઈ જવામાં આવ્યા હતા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એમની યુદ્ધના ધોરણે સારવાર કરવામાં આવી હતી.