રાજકોટઃ રાજ્યની એસટી બસમાં પ્રવાસ દરમિાયન હવે મોબાઈલ ફોનમાં મોટા અવાજે વાત નહીં કરી શકાય, બૂમ-બરાડા પણ નહીં પાડી શકાય, એટલું જ નહીં મોબાઈલમાં મોટા અવાજે મ્યુઝિક પણ પ્લે નહીં કરી શકાય. આ અંગે એક પરિપત્ર જાહેર કરીને વિભાગના તમામ ઝોનને જાણ કરવામાં આવી છે. મોટા અવાજે વાત કરીને કે મ્યુઝિક વગાડીને અન્ય પ્રવાસીઓને પરેશાન કરતા આવા શખ્સો સામે પગલાં લેવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.રાજ્યના તમામ નિયામકો જોગ પરિપત્ર મોકલી આ અંગે તાત્કાલિક અમલ કરાવવા માટે પણ આદેશ દેવાયા છે.
16 ડિવિઝનને લેટરઃ એસટી વિભાગના 16 ડિવિઝન અમદાવાદ, વડોદરા, અમરેલી, ભૂજ, ભરૂચ, ભાવનગર, નડિયાદ, હિંમતનગર, ગોધરા, જૂનાગઢ, મહેણાસા, સુરત, જામનગર, રાજકોટ, વલસાડ અને પાલનપુરના વિભાગીય નિયામકને આ પત્ર મોકલાયો છે. જો કોઈ પ્રવાસી પ્રવાસ દરમિયાન મોટા અવાજે વાત કરશે કે મ્યુઝિક વગાડશે તો હવેથી બસના ડ્રાઈવર અને કંડક્ટરની જવાબદારી રહેશે. આ પરિપત્ર પાછળ વિભાગનો હેતું પ્રવાસીઓ શાંતિ અને સલામતી સાથે પ્રવાસ કરી શકે એ રહ્યો છે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી દરમિયાન આવું જોવા મળતું હોય છે.
સૂચનાનું પાલન કરાવવા આદેશઃ બસના ડ્રાઈવર કે કંડક્ટર આ અંગે પ્રવાસીઓને હેડફોન કે ઈયરફોનનો ઉપયોગ કરવા માટે કહી શકશે. મોટા અવાજે વાગતી ફોનની રીંગટોનને ધીમી કરવા માટે કહી શકે છે. એટલું જ નહીં વારંવાર ફોન આવતા હોય તો ફોનને વાયબ્રેટ કે સાયલન્ટ મોડ પર રાખવા માટે કહી શકે છે.