એક ટિકિટ એકવાર બુક કરાવ્યા બાદ કેન્સલ કરાવીએ તો કેટલો ચાર્જ કપાય? આ મુંઝવણમાં દરેક યાત્રી હોય છે. નવા બદલાયેલા નિયમને લઈ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સિવાય પણ યાત્રીઓ પાસેથી વિભાગે એવિએશન સેક્ટરને વધુ શ્રેષ્ઠ બનાવવા સૂચનો મંગાવ્યા છે. નવા નિયમ અનુસાર બુકિંગ કરાવ્યા બાદ 48 કલાક સુધી લુક ઈન પીરિયડ મળી રહેશે. ડેસ્ટિનેશન પસંદ ન પડ્યું હોય કે ભૂલથી પસંદ થઈ ગયું હોય તો ટિકિટ કેન્સલ કરવાનો ઓપ્શન મળશે. આ માટે કોઈ ચાર્જ વસુલાશે નહીં. એટલું જ નહીં યાત્રીના નામમાં કોઈ ભૂલ હશે તો એને સુધારવાની પણ સવલત મળશે.
એરલાઈન્સને મેડિકલ ઈમરજન્સી જણાવશો તો કેટલાક ટકા સુધી રીફંડ પણ આપશે. યાત્રીએ એરલાઈન્સની વેબસાઈટ કે ટ્રાવેલ એજન્ટ અથવા કોઈ પોર્ટલથી ટિકિટ બુક કરાવીશકે છે. પણ કેન્સલ વખતે રીફંડની સંપૂર્ણ સત્તા એરલાઈન્સ કંપનીઓને રહે છે. આ રીફંડ 21 દિવસમાં પ્રવાસીઓને મળે છે. હાલમાં એરલાઈન્સ ટિકિટ કેન્સલેશન સામે રીફંડની પ્રોસેસ ઘણી ધીમી છે. એવિએશન વિભાગ આ મર્યાદાને દૂર કરીને પ્રવાસીઓના હિતમાં નિર્ણય લેવાની તૈયારીમાં છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે એક ચોક્કસ ગાઈડલાઈન્સ બનાવવાની પણ તૈયારી છે. જેથી પહેલી વખત એરટ્રાવેલ કે એરટિકિટ બુક કરતા પ્રવાસીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ન થાય. એવિએશન ઈન્ડસ્ટ્રીના એકસપર્ટ એવું માને છે કે, આ પરિવર્તન પ્રવાસીઓ માટે સારા છે.આનાથી એરલાઈન્સ અને પ્રવાસીઓ વચ્ચે એક ભરોસો કાયમ થશે. પણ ઘણીબધી એરલાઈન્સ કંપનીઓ એવું માને છે કે, એમની રેવન્યૂ પર એક અસર થઈ શકે છે. જોકે, અમેરિકા અને બ્રિટન જેવા દેશમાં આ નિયમ લાગુ છે.એક લાંબા સમય પછી એવિએશન વિભાગ આવા મોટા નિર્ણય લેવા જઈ રહી છે. જેનો સીધો ફાયદો પ્રવાસીઓને થવાનો છે.