ધર્મ ડેસ્કઃ રુદ્રાક્ષની માળાને હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ પહેરવાના પણ કેટલાક નિયમો હોય છે. એવું માનવામાં આવે છે કે, રુદ્રાક્ષની માળા પહેરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે. આ માળા જે વ્યક્તિ ધારણ કરે છે એના જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. એટલું જ નહીં, જીવનમાં આવતા વિધ્નોમાંથી પણ મુક્તિ મળે છે. રુદ્રાક્ષની માળા પૂનમ, અમાસ, શ્રાવણ મહિનામાં, સોમવારે અને શિવરાત્રીના દિવસે ધારણ કરવી જોઈએ. આ દિવસોને રુદ્રાક્ષ પ્રાપ્તિ માટે સૌથી શુભ માનવામાં આવ્યા છે.
કેવી રીતે પહેરવી જોઈએ માળા?
પૂનમ, અમાસ, શ્રાવણ મહિનામાં, સોમવારે અને શિવરાત્રી આ તમામ તિથિઓને શિવપૂજાની તિથિ માનવામાં આવે છે. રુદ્રાક્ષની માળા વહેલી સવારે સ્નાન કર્યા બાદ પહેરવી જોઈએ. ગળામાં કે હાથમાં પહેરતા પહેલા એના પર ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. એ પછી મહાદેવના ચરણોમાં માળાને અર્પણ કરી પછી જ ધારણ કરવી જોઈએ. જ્યોતિષની સલાહ અનુસાર માળા પહેરવી જોઈએ.
નિયમો જાણતા હશો તો ફાયદો થશે
સ્નાન કર્યા વગર માળાને હાથ લગાવવો એ અશુભ માનવામાં આવે છે. માળા ધારણ કરતા પહેલા થોડા સમય માટે શાંતિ ચિતથી શિવજીનું ધ્યાન ધરવું જોઈએ. માળામાં દોરી લાલ અથવા પીળા રંગની હોવી જોઈએ. જેમાં મણકા પોરવેલા હોવા જોઈએ. કાળા કલરની દોરીમાં માળા ન હોવી જોઈએ. આ તમામ નિયમોનું પાલન કરીને માળા ધારણ કરવી જોઈએ. રુદ્રાક્ષ પહેરીને ક્યારેય સ્મશાન ઘાટ કે સ્મશાન ભૂમિ પર ન જવું જોઈએ. રુદ્રાક્ષની માળા પહેરવાથી માનસિક શાંતિ રહે છે. નકારાત્મકતા દૂર રહે છે.