અમદાવાદઃ વતનનું ઋણ ચૂકવવા માટે અનેક એવા લોકો આફત આવ્યે મદદ કરે છે. કમૌસમી વરસાદના કારણે ખેડૂતોને કફોડી હાલતમાંથી બેઠા કરવા સરકારે રાહત પેકેજ જાહેર કર્યું, પરંતુ મૂળ જૂનાગઢ જિલ્લાના અને અમદાવાદમાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ ખેડૂતોને મદદ કરવાની ખાતરી આપી છે. આ માટે એમણે વ્યક્તિગત રીતે ખેડૂતોને ₹2 કરોડનું પેકેજ આપવાની જાહેરાત કરી છે. દિનેશ કુંભાણીએ જૂનાગઢ જિલ્લાના પોતાના ગામ બાદલપુરમાં જઈ આસપાસના 4 ગામના ખેડૂતો સાથે બેઠક યોજી હતી.
નુકસાનીનો સર્વે થશેઃ કમૌસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી ખેડૂતોને મદદ કરવાની એમણે ખાતરી આપી છે. બાદલપુરના આસપાસના 4 ગામની 1800થી 2000 હેક્ટર જમીનમાં વાવેતર ખેડૂતોએ કર્યું હતું. જે માવઠાને કારણે ધોવાઈ ગયું હતું. ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, જે ગામે મારો જન્મ થયો, બાપ-દાદાએ પુરૂષાર્થ કરીને જ્યાં લીલીવાડી કરી છે એ વતનને મુશ્કેલીમાં મદદ કરવાનો સમય છે. માતૃભૂમિનો વિસ્તાર જ્યારે દુઃખી હોય તો એમની પડખે ઊભા રહીને કંઈક તો કરવું જોઈએ.
પરિવાર તૈયાર થયોઃ બાદલપુરની આસપાસના ત્રણ ગામ છે.પ્રભાતપુર, સાખડાવદર અને સેમરાળા.જ્યાં વરસાદને કારણે ખૂબ નુકસાન થયું છે. મારા નિર્ણય અંગે જ્યારે મેં મારા પરિવારજનો સાથે વાત કરી ત્યારે એ પણ તૈયાર થઈ ગયા. ખેડૂતોને શક્ય એટલી મદદ કરવાની વાત કરી હતી. ગામની બેઠક કરી ત્યારે જે તે ગામના સરપંચો સાથે પણ વાતચીત કરવામાં આવી. બેઠકમાં 80 જેટલા લોકોએ ભાગ લીધો, જેમાં ગામના આગેવાનો તથા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ પણ જોડાયા હતા. એ પછી ગામમાં ખેડૂતો ખાતેદારો કેટલા અને એમની જમીન કેટલી એ અંગે ચર્ચા થઈ. 4 ગામના કુલ 1200 ખેડૂતો થાય છે.
ખાતામાં રકમ જમાઃ વિગત અને કેટલાક જરૂરી દસ્તાવેજ મળ્યા બાદ રકમ સીધી જ બેંક ખાતામાં જમા કરાવી દેવાની મેં ખાતરી આપી, પણ ગામના લોકોએ પોતાની લાગણીવશ કહ્યું કે, ગામમાં આવીને ખેડૂતોને ચેકથી રકમ આપવામાં આવે. આ લાગણીને માન આપી 16 નવેમ્બરે ગામમાં ચેક વિતરણનો કાર્યક્રમ નક્કી થયો. જે નુકસા થયું છે એ કવર કરી આપીશ જે ધ્યાને લેતા આશરે સવા બે કરોડ જેટલી રકમ થાય છે.