દહેરાદૂનઃ રણજી ટ્રોફીની મેચમાં ચોથા અને અંતિમ દિવસે ગુજરાતની ટીમે ઉત્તરાખંડને માત આપી છે. ઉત્તરાખંડની ટીમ 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઉત્તરાખંડની ટીમે પ્રથમ ઈનિંગ્સમાં 272 રન કર્યા હતા. બુધવારે અંતિમ દિવસે રમાયેલી મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટના નુકસાનથી 324 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઊતરેલી ઉત્તરાખંડની ટીમે 272 રન કર્યા હતા. બીજી ઈનિંગ્સમાં સરસાઈ સાથએ ગુજરાતે 5 વિકેટમાં 291 રન કર્યા હતા.
જીતવા માટે 344 રનનો ટાર્ગેટ
ઉત્તરાખંડને જીતવા માટે 344 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, વિશાલ અને જયસ્વાલ સહિતના ગુજરાતની ટીમના બોલર્સ માટે ઉત્તરાખંડના બેટ્સમેન ખાસ કોઈ સ્કોર બનાવી શક્યા ન હતા. 197 રનમાં બીજો દાવ પૂરો થઈ ગયો હતો. વિશાલ જયસ્વાલે ગુજરાત તરફથી 72 રનમાં 4 મહત્ત્વની વિકેટ ખેરવી મેચનું પાસું પલટાવી નાંખ્યું હતું. જ્યારે સિદ્ધાર્થ દેસાઈએ 44 રનમાં 3 વિકેટ ખેરવી હતી.ગુજરાતના પ્રથમ દાવમાં જયમિત પટેલે સદી ફટકારી હતી. જ્યારે ઑપનર અભિષેક દેસાઈએ 99 રન કર્યા હતા.
મેચનું પાસું પલટાવી નાંખ્યું
ક્ષિતિજ પટેલે 61 રન કર્યા હતા, જ્યારે ઉત્તરાખંડના પ્રથમ દાવમાં સિદ્ધાર્થ અને જયસ્વાલે મહત્ત્વના ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા. જેના કારણે ગુજરાતની ટીમ જીતી રહી છે એ ચિત્ર સ્પષ્ટ થયું હતું. બીજી તરફ ઉત્તરાખંડની ટીમ પર પ્રેશર ઊભું થયું છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આર્ય દેસાઈએ બીજા દાવમાં 80, જયમિત પટેલે 60 અને ઊર્વીલ પટેલે 58 રન કર્યા હતા. ગુજરાતની ટીમ બે મેચ જીતી ચૂકી છે અને બે મેચ હારી છે. જ્યારે એક મેચ ડ્રો થઈ હતી.
હિટ ધ બોલ ટ્વાઈસના નિયમ અંતર્ગત આઉટ
રણજી ટ્રોફીમાં 20 વર્ષ બાદ હિટ ધ બોલ ટ્વાઈસનો કિસ્સો બન્યો હતો. મેઘાલય સામેની મેચમાં બેટર લામબમ સિંહે બોલને બે વાર ફટકા માર્યા હતા. જેથી તેને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. ક્રિકેટ જગતમાં 20 વર્ષ બાદ આ ઘટના બની છે. આ નિયમ અંતર્ગત આઉટ થનાર લામબમ રણજી ટ્રોફીના ઈતિહાસનો પાંચમો ખેલાડી બન્યો હતો. આ પહેલા વર્ષ 2005માં જમ્મુ કાશ્મીરનો ખેલાડી તથા સુકાની ધ્રુવ મહાજન પણ આ ઘટનાનો ભોગ બન્યો હતો.