રાજકોટઃ તા.19 નવેમ્બરના રોજ રાજકોટ કોર્પોરેશનનો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેરના કૉમ્યુનિટી હોલ સહિતના ₹600 કરોડના જુદા-જુદા વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં કૉમ્યુનિટી હોલ માટે ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલા શહેરના નાણાવટી ચોક નજીક સંતોષ પાર્કમાં કૉમ્યુનિટી હોલનું કામ શરૂ થયું હતું જે હવે પૂર્ણ થયું છે. આ સાથે મુખ્યમંત્રી આવાસ યોજનાનો ડ્રો પણ કરાવશે. જેથી રાજકોટના લાખો લોકોને ઘરનું ઘર મળી રહેશે.
તૈયારીઓનો ધમધમાટ શરૂઃ મુખ્યમંત્રી રાજકોટ આવવાના હોવાથી શહેર ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.મહાનગર પાલિકા દ્વારા જુદા-જુદા અધિકારીઓને સમગ્ર કાર્યક્રમની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ક્રિકેટ સ્ટેડિયમ, રોડના પ્રોજેક્ટ, વૉર્ડની ઓફિસ, મહિલા હોસ્ટેલ, પાઈપલાઈન પ્રોજેક્ટ તથા સ્ટોર્મ વોટર પ્રોજેક્ટના કાર્યનો શુભારંભ કરવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા સંગીત સંધ્યા અને ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્ષમાં આર્ટ ગેલેરી ખાતે રાજકોટની કલ, આજ ઔર કલ થીમ પર વિશાળ ચિત્ર પ્રદર્શન યોજાશે. જેને જોવાનો નાગરિકો લાભ લઈ શકશે. માત્ર ચિત્ર જ નહીં ફોટોગ્રાફનું પણ અહીં એક્ઝિબિશન યોજાશે. ખાસ કરીને સંગીત સંધ્યાને લઈને ઓવરક્રાઉડ ન થાય એ માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્ર તરફથી પણ ક્રાઉડ મેનેજમેન્ટ માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
કમિશનની ગાંધીનગર મુલાકાતઃ સમગ્ર કાર્યક્રમને લઈને કોર્પોરેશન કમિશનર તુષાર સુમેરાએ ગાંધીનગરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીને આમંત્રણ પણ આપ્યું હતું. જેને મંજૂરી મળી ચૂકી છે. રાજકોટની સાથે મુખ્યમંત્રી જૂનાગઢની પણ મુલાકાત કરશે. જ્યાં જુદા-જુદા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અધિકારીમાંથી મળતા વાવડ અનુસાર મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાત બાદ જ સંગીતસંધ્યા શરૂ થશે. જેથી ક્રાઉડને મેનેજ કરી શકાય.