રાજકોટઃ રાજ્યમાં દિવાળી પછી પણ સતત વરસાદ થતાં ખેતીમાં રવી સીઝન મોડી શરૂ થઈ છે. કૃષિમાં હવે રવી સીઝનનો પ્રારંભ થયો છે. આ સીઝનની શરૂઆતમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડી સુસ્તી છે. ઉત્તર ગુજરાતમાં 1.38 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 61.80 લાખ હેક્ટરમાં વાવેતર શરૂ થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ ખરીફ પાકની સીઝનનો નિકાલ ન થયો હોવાને કારણે રવી સીઝને મોડેથી શરૂ થઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં વાવણીમાં વિલંબઃ સૌરાષ્ટ્રના 18 હજાર હેક્ટરમાં જ વાવણી થઈ છે. સૌરાષ્ટ્રમાં માત્ર દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ વાવેતર શરૂ થયું છે. જેમાં ચણા અને ધાણાનું ખેડૂતોએ વાવેતર કર્યું છે. હજું બાકીના જિલ્લાઓમાં વાવેતર બાકી છે. શિયાળાની સીઝનમાં ઘઉં, ચણા, મકાઈ, શેરડી, રાઈ, જીરૂ અને ધાણા જેવા પાકનું વાવેતર થાય છે. જાન્યુઆરી મહિનાના છેલ્લા સપ્તાહ સુધીમાં રવી સીઝન શરૂ થાય છે. શેરડીના પાક માટે ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
ગત વર્ષેનો અહેવાલઃ ગત વર્ષે રવી સીઝનમાં 46 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. પણ આ વખતે કમૌસમી વરસાદને કારણે રવી સીઝન મોડેથી શરૂ થઈ છે. કુલ વાવેતરનો આંક હજું સુધી સામે આવ્યો નથી. આવનારા થોડા દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવેતર શરૂ થતાં ખેડૂતો નવા પાક લણવા ખેતર ખેડશે. જોકે, આ વખતે શિયાળો પણ મોડેથી શરૂ થતા ખેતીને સીધી અસર થઈ છે. કમૌસમી વરસાદને કારણે પાક ધોવાઈ ગયો હતો. જેમાં સહાય પણ મોડેથી મળતા નવા પાકની ખેતીમાં વિલંબ થયો છે.