નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.11 અને 12 નવેમ્બર એમ બે દિવસ ભૂટાનના પ્રવાસે છે. વર્ષ 2014 પછી ભૂટાનની એમની આ ચોથી યાત્રા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ભૂટાન સરકાર દ્વારા આયોજિત ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ’માં ભાગ લેશે અને પોતાનું સંબોધન આપશે. વિશ્વશાંતિ અને માનવતાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ મુલાકાતથી ભારત અને ભૂટાનના સંબંધો વધારે સશક્ત થશે.

પરિયોજના ખુલ્લી મૂકશેઃ આ મુલાકાત દરમિયાન,PM મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે મુલાકાત કરશે.એમની સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય સંબંધઓને મજબૂત કરવા માટે ચર્ચા-વિચારણા કરશે. આ બેઠકમાં ઊર્જા,વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગ જેવા ક્ષેત્રોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે. બંન્ને દેશના નેતા 1020 મેગાવોટની પુનાત્સાંગછૂ-II જળવિદ્યુત પરિયોજનાનું લોકાર્પણ કરીને લોકો માટે મૂકશે. ભારત-ભૂટાનના સંબંધોને લઈને આ એક સિદ્ધિ માનવામાં આવે છે. આ સાથે બંન્ને દેશના નેતાઓ હાઇડ્રો પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.

બીજા દિવસનો કાર્યક્રમઃ ભૂટાનના વડાપ્રધાન ત્સેરિંગ ટોબગે સાથે મોદી મુલાકાત કરશે. આ દરમિયાન ઊર્જા,રેલ,રોડ કનેક્ટિવિટી અને વિકાસ પરિયોજનાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે. ભૂટાનની 13મી પંચવર્ષીય યોજનામાં સહયોગ આપવા અંગે પણ બંને દેશો વચ્ચે વાતચીત થશે.આ પ્રવાસ ભૂટાન સાથેના સંબંધોને લઈ એક નવી દિશા આપશે. ભારત અને ભૂટાનના સંબંધો વિશ્વાસ, સદ્ભાવના અને પરસ્પર સન્માન પર આધારિત છે અને સમયની સાથે તે વધુ મજબૂત બની રહ્યા છે.