પોરબંદરઃ રાજ્યમાં પડેલા કમૌસમી વરસાદને કારણે શહેર-ગ્રામ્ય પંથકના અનેક રસ્તાઓની હાલત ખરાબ થઈ હતી. આ તમામ રસ્તાઓને નવેસરથી સમથળ કરવા અને ડામર વર્ક કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અંતર્ગત મહાનગર જ નહીં,જિલ્લાની હદમાં આવતા રસ્તાઓને રીપેર કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. પોરબંદર જિલ્લામાં પણ ગ્રામ્ય પંથકને જોડતા રસ્તાઓની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવતા તમામ રસ્તાઓ પર ડામર,પેચવર્ક અને સમથળ કરવાની કામગીરી ચાલું કરી દેવાઈ છે. જેના પરિણામે આગામી ટૂંક સમયમાં રસ્તાઓ સમથળ થશે અને નેશનલ હાઈવે જેવા બનશે. રસ્તાઓની પ્રાથમિકતાના આધારે આ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આદિત્યતાણા, ખારીખપર રોડ પર ડામરવર્ક શરૂ કરાયું છે. આ સાથે માર્ગ મરામત અને નવીનીકરણ તથા રીપેરિંગની કામગીરી ચાલું કરી દેવામાં આવી છે. નાગરિકોને સારા રસ્તા અને સુરક્ષિત પરિવહન મળે એ હેતું થી કામ થઈ રહ્યું છે. વિભાગ દ્વારા પર સમગ્ર કામ પર સતત વૉચ રાખવામાં આવી રહી છે.