પોરબંદરઃ શહેરના કડિયા પ્લોટ અને લીમડા ચોક પાસે રેલવે ફાટકને કારણે અનેકવાર ટ્રાફિકની સમસ્યા થાય છે. તેથી આ બન્ને ફાટક પર અંડરપાસ અને ઓવરબ્રિજ તૈયાર કરવા માટે સર્વે શરૂ કરી દેવાયો છે. મહાનગર પાલિકાની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. જેનો એક મહિનામાં રીપોર્ટ તૈયાર કરી રજૂ કરવો પડશે. ટોપોગ્રાફી સર્વેની સમીક્ષા કરીને પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા સમગ્ર પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
એક ટીમે સર્વે પૂરો કર્યો
પોરબંદરના કોર્પોરેશનના કમિશનર હસમુખ પ્રજાપતિએ આ વિસ્તારના સર્વે પર વિશેષ ધ્યાન આપીને નિરિક્ષણનો રીપોર્ટ માંગ્યો હતો. જેના પર સમીક્ષા કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લીમડા ચોકનું કામ પૂર્ણ થયા બાદ કડિયા પ્લોટ ફાટક પાસે ક્લાસિફાઈડ વોલ્યુમ કાઉન્ટ ટ્રાફિક સર્વેની કામગીરી તથા લિમડાચોક પાસે ડેસ્ટિનેશન સર્વે શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જેને એક મહિનામાં પૂર્ણ કરવા સૂચન કરવામાં આવ્યું છે.
લોકોની પરેશાનીનો અંત આવશે
સમગ્ર પ્રોજેક્ટના રીપોર્ટ રેલવે ઓથોરિટીને પણ મોકલવામાં આવશે. રેલવો ઓથોરિટીને પણ નકશા અંદાજોની કામગીરી એક મહિનામાં પૂરી કરી દેવા સૂચના આપવામાં આવી છે. જેથી આ વિસ્તારમાં લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. જોકે, બન્ને જગ્યાએ અંડરપાસ કે ઓવરબ્રિજ તૈયાર થતા સમય લાગશે.