નવી દિલ્હીઃ તા.10 નવેમ્બરની સાંજ દેશવાસીઓ માટે કાળમુખી સાબિત થઈ હતી. રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે સાંજે 6.52 વાગ્યે કારમાં બ્લાસ્ટ થતાં 12 વ્યક્તિઓના મૃત્યું નીપજ્યા હતા. આ ઘટનાને બે દિવસ વીત્યા અને આતંકી સંગઠન સાથે તાર જોડાયેલા હોવાની શક્યતાઓ સામે આવી. આમ છતાં કોઈ જ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને દિલ્હી પોલીસ, NIA અને NSGની ટીમ સાથે મળીને તપાસ કરી રહી છે. બે દિવસમાં એ વાત જાણી શકાઈ નથી કે, કારમાં ક્યા પ્રકારની વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મોટા હુમલાનું કાવતરૂઃ એજન્સીઓ પાસેથી મળેલી વાત અનુસાર, હજું પણ કેટલાક આતંકવાદીઓ ભારતમાં રહીને મોટા હુમલાની ફીરાકમાં છે એવી શકયતાઓ સેવાઈ રહી છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે, આ ઘટનામાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહંમદનું મોડ્યુલ હોઈ શકે છે. બ્લાસ્ટ કરવાની રીત અને ટાર્ગેટ જૈશની આતંકી પ્રવૃતિથી મળતી આવે છે.જોકે, હજુ સુધી ન તો જૈશે અને ન તો કોઈ અન્ય આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સામાન્ય રીતે જ્યારે પણ દેશમાં કોઈ આતંકી હુમલો થાય ત્યારે આતંકી સંગઠન એ હુમલાની જવાબદારી સ્વીકારે છે.
વિસ્ફોટને લઈ રહસ્યઃ વિસ્ફોટ થયા બાદ ફોરેન્સિક વિભાગની ટીમ તપાસ માટે દોડી હતી. ટીમે 200થી વધારે નમૂનાઓ એકત્ર કરી તપાસ શરૂ કરી હતી. આશરે 50 જેટલા સેમ્પલનું વિશ્લેષણ પ્રાથમિક તબક્કે કરવામાં આવી રહ્યું છે.જેમાંથી એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હોવાના સંકેત મળી રહ્યા છે. એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે, એમાં RDX અને અન્ય વિસ્ફોટક સામગ્રી મિક્સ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હોઈ શકે છે. જોકે, ફાયર બ્રિગેડની ટીમે આગ ઠારવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. જેમાં કેટલીક વસ્તુઓ પાણી સાથે વહી ચૂકી છે.
આતંકીઓ પકડાયાઃ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયા બાદ જમ્મુ કાશ્મીરમાંથી કુલ 8 જેટલા આતંકવાદીઓ પકડાયા છે. જ્યારે અન્ય રાજ્યમાં પણ ઑપરેશન સર્ચ કરવામાં આવી રહ્યું છે.ખાસ કરીને આતંકીઓની મહિલા વિંગ પર આશંકાઓ પ્રબળ છે.આ કેસમાં સંડોવાયેલી ડૉ. શાહીન શાહિદને જૈશની મહિલા વિંગની કમાન્ડર બનાવવામાં આવી હતી. ઘટના બાદ જૈશ સાથે જોડાયેલી કેટલીક મહિલાઓ અંડરગ્રાઉન્ડ થઈ જતા પોલીસના રડારથી તે બહાર છે. સવાલ એ ઊઠી રહ્યા છે કે, દિલ્હી સુધી વિસ્ફોટક સામગ્રી પહોંચી કેવી રીતે? બ્લાસ્ટ બાદ તપાસનો ધમધમાટ વધારી દેવામાં આવ્યો હતો.જોકે,બ્લાસ્ટ બાદ દરેક ઈનપુટને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે.