નવી દિલ્હીઃ ‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતે વધુ એક સિદ્ધિ રાષ્ટ્રીય સ્તરે હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર -2025’માં ગુજરાતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતને આ સિદ્ધિ બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જળ સંપત્તિ વિભાગના સચિવ પાર્થિવ સી.વ્યાસે ગુજરાત સરકાર વતી નવી દિલ્હી ખાતે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જળ સંચાલન ક્ષેત્રે કરેલા ટકાઉ, નવીન અને જનકેન્દ્રિત પ્રયત્નોને પરિણામે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મહારાષ્ટ્રને પ્રથમ જ્યારે ગુજરાતને બીજા ક્રમે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે,કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષ 2024માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા ક્રમે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજ્યમાં પાણીના સ્ત્રોતોનું યોગ્ય આયોજન અને પાણીનું ટકાઉ સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેમાં પાણીના સ્ત્રોતોનું સંચાલનમાં ડેમ, બેરેજ, ચેકડેમ દ્વારા પાણીનું સંગ્રહ, વિતરણ અને પુનઃઉપયોગ માટે મજબૂત તંત્ર ઊભું કરાયું છે.
શ્રેષ્ઠ કામગીરી
વધુ પાણી ધરાવતા વિસ્તારોથી પાણી ઉદ્દવહન કરી પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પહોંચાડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. જ્યારે ભૂગર્ભ જળ રિચાર્જ અને ખાર નિયંત્રણ થકી પાણીની તંગી વાળા વિસ્તારોમાં રિચાર્જ પ્રોજેક્ટ્સ આધારિત યોજનાઓ દ્વારા જળ સંતુલન જાળવવામાં આવ્યું છે. નાગરિક સહભાગિતા અને નવીન યોજનાઓના માધ્યમથી શુદ્ધ કરેલા ગંદાપાણીનો પુનઃઉપયોગ, પીવાના પાણી માટે ભૂગર્ભ સ્ત્રોતોનો ઓછો ઉપયોગ અને પાણી વ્યવસ્થાપનમાં સમુદાયની સહભાગિતા દ્વારા ગુજરાતે દેશ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.