નવી દિલ્હીઃ ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સરહદ પાર આતંકવાદથી દૂર રહેવાની ચેતવણી આપી દીધી છે. આ વાત સાથે તેમણે એવું ઉમેર્યું હતું કે, 88 કલાકનું ઑપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર હતું, ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ તો પાડોશી દેશને જવાબદારી પૂર્વક પાઠ ભણાવવામાં આવશે. આર્મી ચીફની આવી ચેતવણથી પાડોશી દેશ પાકિસ્તાનમાં ભયનો ફડફડાટ છે. ભારત સરહદ પારથી ગમે ત્યારે હુમલો કરી શકે છે એવી ચિંતા વ્યક્ત થઈ રહી છે.
ભારત પર આરોપો
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને ભારતનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેમણે એક નિવેદન આપતા કહ્યું હતું કે, ભારત હુમલા કરી શકે છે. પાકિસ્તાન ભારતીય સેનાના પ્રમુખનું નિવેદન અવગણી નહીં શકે. આસિફે પાકિસ્તાન મીડિયાને કરેલી વાતમાં કેટલાક પાયાવિહોણા આરોપ ભારત લગાવ્યા હતા. આસિફે ઉમેર્યું હતું કે, અફઘાનિસ્તાન ઘુસણખોરી કરે છે એમાં ભારત એનું સમર્થન કરે છે. ભારત એમાં ભૂમિકા અદા કરે છે. સાઉદી અરેબિયા, આરબ અમીરાત, ઈરાન, ચીન તથા અન્ય દેશ પાકિસ્તાન સરહદમાં ઘુસીને ઘુસણખોરીને સમાપ્ત કરવા માગે છે.અફઘાનિસ્તાન આતંકવાદનું ઠેકાણું બન્યો છે. ભારત નથી ઈચ્છતું કે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એમના મુદ્દાઓને ઉકેલે.
ભારત પર ભરોસો નથી
આસિફે કહ્યું હતું કે, ભારત પર કોઈ રીતે પાકિસ્તાન ભરોસો કરી શકે એમ નથી. પાકિસ્તાને ગાઝામાં આંતરરાષ્ટ્રીય દળોનો ભાગ બનવું જોઈએ. પાકિસ્તાન અબ્રાહમ કરારમાં જોડાવવાની યોજના ધરાવતું નથી. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોને લઈને અનેક વખત પાકિસ્તાન ખોટા આરોપ મૂકી ચૂક્યું છે.