જામનગરઃ રાજ્ય સરકાર દ્વારા મગફળી સહિતની જણસની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા મંગળવારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 28000 મણ મગફળીની આવક થઈ છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કરતા 161 ખેડૂતનો મગફળીનો માલ વેચાયો હતો. માત્ર મગફળી જ નહીં કપાસ, લસણ, સોયાબિન તથા સુકી ડુંગળીની સારી આવક થઈ છે. મગફળીની આવક શરૂ થતાં જ યાર્ડની બહાર મોટી સંખ્યામાં વાહનો માલ ઠાલવવા માટે ગોઠવાઈ ગયા હતા.
મગફળીની હરાજી થતા જીણી મગફળીના ₹920થી ₹1140, જાડી મગફળીના ₹810થી ₹1020, 66 નંબરની મગફળીના ₹900થી ₹1350, 9 નંબરની મગફળીના ₹1000થી ₹1800 ભાવ મળ્યા હતા. જ્યારે કપાસના ₹1000થી ₹1580, લસણના ₹475થી ₹1250 અને રાજમાના ₹800થી ₹1070 સુધીના ભાવથી સોદા થયા હતા. જગ્યાના અભાવે બે દિવસ સુધી મગફળીની આવક બંધ રાખવામાં આવી હતી. મંગળવારે આવક શરૂ થાય એ પહેલા જ વાહનો માર્કેટ યાર્ડ સુધી મગફળી લઈને પહોંચ્યા હતા. આ વખતે પડેલા કમૌસમી વરસાદને કારણે મગફળીના પાકને મોટું નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતો ચિંતામાં હતા. પણ પાકના ભાવ મળી રહેતા થોડી રાહત થઈ છે. મગફળી સિવાય પણ અન્ય જણસનું વેચાણ થયું હતું. જેમાં જીરૂ, અજમો અને તલનો સમાવેશ થાય છે.