સિડોનઃ મધ્યપૂર્વના દેશ છેલ્લા કેટલાક સમયથી યુદ્ધનો સામનો કરી રહ્યા છે. ગાંઝાનું કોકડું માંડ શાંત પડ્યું ત્યાં લેબેનોન પર ઈઝરાયેલે હુમલો કરી દીધો છે. દક્ષિણ લેબેનોનમાં 15 લોકોનાં મોત ડ્રોન તથા મિસાઈલ હુમલામાં થયા છે. આ પહેલા ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનમાં આવેલા પેલેસ્ટાઈનીઓના નિરાશ્રિત કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં 13 લોકોનાં મોત થયા હતા. આ હુમલાને લઈને ઈઝરાયેલે દાવો કર્યો હતો કે, હમાસના ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ ઈઝરાયેલ અને લશ્કર પર હુમલો કરવા માટે થતો હતો.
બે ગામ પર હુમલો
ઈઝરાયેલે જણાવ્યું હતું કે, અમે દક્ષિણ લેબેનોનના બે ગામ પર હુમલો કર્યો છે. હુમલો કરતા પહેલા ગામ ખાલી કરવા માટેની ચેતવણી આપવામાં આવી હતી. એ પછી આ હુમલો કરાયો છે. યુદ્ધને કારણે સમગ્ર મધ્યપૂર્વમાં માહોલ ભયનો છે. લેબેનોન ભૂમધ્ય સમુદ્રનાં કિનારે રહેલા સિડોન અને એલ હીલવેર રેફ્યૂજી કેમ્પ પર ઈઝરાયેલે ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એરસ્ટ્રાઈક થતાં જ નિરાધાર પેલેસ્ટાઈનીઓમાં દોડધામ મચી ગઈ હતી.
ઈઝરાયેલની સેનાનું નિવેદન
ઈઝરાયેલની સેના એ નિવેદન આપ્યું હતું કે, હકીકતમાં અમે એ કેમ્પની બાજુમાં આવેલા કમ્પાઉડ પર હુમલો કર્યો હતો. જેનો ઉપયોગ આતંકીઓને શસ્ત્રની તાલિમ આપવા માટે થઈ રહ્યો હતો. આવા કોઈ પણ સ્થળે અમે હુમલા કરતા રહીશું. છેલ્લા બે વર્ષ દરમિયાન લેબોનોન પર ઈઝરાયેલે હવાઈ હુમલા કર્યા છે. અનેકવાર મિસાઈલનો મારો પણ ચલાવ્યો છે.