અમદાવાદ, ડેસ્કઃ દસ ડિજિટના મોબાઈલ નંબર પાછળ મેજિક નહીં લોજિક છે. મોબાઈલ નંબરને 10 અંકના કરવા પાછળ સમજી વિચારીને સેટ કરેલી સિસ્ટમ છે. દરરોજ આપણે 10 ડિજિટના મોબાઈલ નંબર ડાયલ કરીએ છીએ અને નવા મોબાઈલ નંબરને સેવ પણ કરીએ છીએ. દુનિયાના કોઈ પણ દેશમાં એની જનસંખ્યાના આધારે મોબાઈલ નંબરના અંકની સિસ્ટમ નક્કી થાય છે. 10 અંકની નંબર સિસ્ટમમાં ઉપલબ્ધ કુલ નંબરની સંખ્યા 10 અબજ થાય છે. એટલે કે, 1થી 9 નંબરને જુદા જુદા નંબર સાથે કોઈ પણ રીતે જોડી બનાવીને નંબરની યાદી તૈયાર કરીએ એ નંબરની કુલ સંખ્યા 10 અબજ જેટલી થાય છે.
સંખ્યા પૂરતી છેઃ આ એટલી મોટી સંખ્યા છે જે કોઈ પણ દેશની જનસંખ્યામાં કોઈ એ યુનિક નંબર આપવા માટે પૂરતી છે. આ ગણતરી વિચારીને જ 10 અંકનો મોબાઈલ નંબર પસંદ કરવામાં આવ્યો છે. મોબાઈલ નંબર કોઈનું કોન્ટેક્ટ આઈડી જ નથીં પણ નેટવર્ક આઈડી કોડ પણ છે જે જુદા જુદા મોબાઈલ નેટવર્ક પરથી આવતા કોલને ક્યા નેટવર્કમાં રૂટ કરવા એ નક્કી કરે છે. મોબાઈલ નંબરના પ્રથમ ચાર અથવા પાંચ નંબર કન્વર્ટર કોડ તરીકે ઓળખાય છે. જે નેટવર્ક આપતી કંપની કે ટેલિકોમ સર્કલમાં રૂટ થતી અન્ય કંપનીના આઈડીને મેચ કરે છે. બાકીના પાંચ અથવા છ નંબર ગ્રાહકના યુનિક કોડ નંબર હોય છે. જેથી એક મોબાઈલ નંબર બીજાથી એક અથવા બે અંકથી અથવા દસે દસ અંકથી જુદા પડે છે.
આવો પણ સમય હતોઃ 90 ના દાયકામાં ટેલિફોનનો જમાનો હતો એ સમયે 6થી 7 અંકના ટેલિફોન નંબર હતા પરંતુ,વર્ષ 2000 પછી મોબાઈલ યુગ શરૂ થતા ગ્રાહોકની સંખ્યા દિવસ કરતા રાતે એકાએક વધી. જૂની 6થી 7 અંકની નંબર સિસ્ટમને મોબાઈલ નેટવર્ક સાથે ક્નેક્ટ કરવું શક્ય ન હતું. આ માટે TRAIએ એક યોજના તૈયાર કરી અને વર્ષ 2003 સુધીમાં સમગ્ર દેશમાં મોબાઈલ નંબર માટે 10 અંકના મોબાઈલ નંબર હોવા ફરજિયાત કર્યા. નેટવર્ક આપતી કંપનીઓને 10 અંકના મોબાઈલ નંબરની ગાઈડલાઈન્સ મોકલી અને સિમકાર્ડ ખરીદતી વખતે જ નંબર નક્કી કરવાની વ્યવસ્થા લાગુ પડી ગઈ. આ કારણે આપણા દેશમાં મોબાઈલ નંબર 10 અંકના હોય છે. જોકે, હકીકત એ પણ છે કે, કોઈ એક પ્રાંતમાંથી કોઈ એક મોબાઈલ નંબર રદ્દ થાય તો એ જ નંબરને બીજા પ્રાંતમાં વેચી શકાતા નથી.