અમદાવાદઃ રાજધાની દિલ્હીમાં થયેલી કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ ટીમ એલર્ટ થઈ ચૂકી છે. યાત્રાધામ અંબાજી, દ્વારકા અને શ્યામળાજીમાં સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગરમાં આવેલા સચિવાલયમાં પણ ચેકિંગ બાદ જ જે તે વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. યાત્રાધામ અંબાજીમાં સુરક્ષા વ્યવસ્થા વધારે કડક કરી દેવામાં આવી છે. મંદિરે દર્શન કરવા માટે આવતા ભાવિકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મંદિરના શક્તિદ્વાર પાસે સુરક્ષાકર્મીઓની ટીમમાં વધારો કરવામાં આવ્યો છે.
મેચના ખેલાડીઓને સુરક્ષાઃ રાજકોટમાં આવેલા નિરંજન શાહ સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચને લઈને પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયા એ અને આફ્રિકાની ટીમ જે હોટેલમાં રોકાઈ છે ત્યાં વધારાના સુરક્ષાકર્મીઓને ફાળવીને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરે પ્રસાદ સહિતની ચીજ વસ્તુઓનું ચેકિંગ થયા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજીતરફ દ્વારકાના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

રેલવે સ્ટેશન પર ચેકિંગઃ દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બન્યા બાદ રાજકોટ અને સુરતના રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. ખાસ કરીને પ્રવાસીઓનું ચેકિંગ કડક રીતે કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે તપાસ કરવામાં આવી રહી છે. પ્રવાસીઓની ટ્રાવેલ બેગ, ડૉક્યુમેન્ટ અને ખાણી-પીણીના સમાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાઈવે પરથી જે તે સિટી તરફ દોડતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

એરપોર્ટ પર સુરક્ષાઃ અમદાવાદ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર CISFની વધારાની ટીમ ફાળવીને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને એરપોર્ટ આવતા-જતા પ્રવાસીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.સામાનથી લઈને પાસ સુધી ચેકિંગ માટે વધારાની ટુકડીને એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રવાસીએનો ફ્લાઈટના ટાઈમિંગના 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.પ્રવાસીઓ પોતાની સાથે 7 કિલોની મર્યાદામાં કોઈ એક બેગ જ પોતાની સાથે રાખી શકે છે.
અફવાઓથી દૂર રહેવુંઃ પોલીસના જણાવ્યા અનુસાર ખોટી અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી છે. માત્ર સરકારની સત્તાવાર માહિતીઓ ઉપર જ વિશ્વાસ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ સિવાય કંઈ પણ શંકાસ્પદ હિલચાલ લાગે તો નજીકમાં પોલીસ સ્ટેશન અથવા પોલીસનો સંપર્ક કરવા માટે અપીલ કરાઈ છે.