અમદાવાદઃ ગુજરાત ATS ની ટીમે કલોલ પાસેથી ત્રણ વ્યક્તિઓને પકડીને એરંડાથી આતંક મચાવવાના દેશના પ્રથમ કિસ્સાની કડી શોધી કાઢી છે. આ કેસમાં ડૉ. અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહંમદ સુલેહ સલીમ ખાનની ધરપકડ કરી રીમાન્ડ પર લેવામાં આવ્યા છે. પાક્સિતાનથી ડ્રોનની મદદથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ અને 30 કાર્ટિઝની સામગ્રી ભારતની રાજસ્થાન સરહદ નજીક મોકલવામાં આવી હતી. આ તમામ હથિયારોને લઈને આઝાદ અને સલેહ આવ્યા હતા.રાજસ્થાનના હનુમાનગઢનું ક્નેક્શન સામે આવતા રાજસ્થાન ATSની ટીમ ગુજરાત આવી પહોંચી છે.
પાકિસ્તાન ક્નેક્શનઃ પ્રાથમિક પૂછપરછમાંથી જાણવા મળ્યું હતું કે, આ ત્રણેય શખ્સો પાકિસ્તાન સાથે ક્નેક્શન ધરાવે છે. પાકિસ્તાન સ્થિત ISKP ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન પ્રોવિન્સ) નામના આતંકી સંગઠન સાથે જોડાયેલા છે. જેઓ ભારતમાં સક્રિય રહીને કામ કરતા હતા. ડૉ. અહેમદ પાસેથી કેસ્ટર ઓઈલ એટલે કે, એરંડાના તેલનો સ્ટોક મળ્યો હતો. આ પરથી પોલીસને આશંકા જતા તપાસ કરવામાં આવી હતી. જ્યારે ડૉ. અહેમદ ગુજરાતમાં વેપાર ધંધો કરવા માટે આવ્યો હતો. અગાઉ પણ તે ગુજરાત આવી ચૂક્યો હોવાથી ગુજરાતથી પરીચીત હતો. એવું તેમણે ગુજરાત ATSની ટીમને જણાવ્યું હતું. હનુમાનગઢના રસ્તેથી હથિયાર રાજસ્થાનથી ગુજરાત સુધી પહોંચ્યા હતા. અમદાવાદના અડાલજ વિસ્તાર સુધી આ હથિયારો પહોંચ્યા હતા.
બાયો ટેરર પ્લાનઃ મોબાઈલ ફોનની તાપસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. અહેમદે આઠેક મહિનામાં ISKPના હેન્ડલર અબુ ખલીજા સાથે ચેટ કરી હતી. જે પાકિસ્તાનમાં બેસીને નેટવર્ક ચલાવતો હતો. આ ચેટમાંથી એરંડામાંથી ઝેર બનાવવાની આખી પ્રક્રિયા જાણવા મળી હતી. આ રીતે ભારતમાં બાયો ટેરરનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. આઝાદ અને સુલેહના મોબાઈલમાંથી પણ જુદા જુદા સ્થળની રેકી કરી હોય એવા ફોટોગ્રાફ મળી આવ્યા હતા.
ઝેર બનાવવાની પ્રોસેસઃ 250 ફોટોગ્રાફ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ઉપરાંત અન્ય જુદા જુદા સ્થળના વિડિયો પણ મળી આવ્યા હતા. ગુજરાત સિવાય રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગણામાં બાયો ટેરરનું પ્લાનિગ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. અહેમદ સાતથી આઠ મહિના સુધી અબુ ખલીજાના સંપર્કમાં હતો. એરંડાના બીજને પ્રોસેસ કરીને રંગ અને ગંધ વગરનો પાવઉર બનાવવામાં આવે જે કોઈપણ પ્રવાહી કે ખોરાક સાથે મિક્સ કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યું થઈ શકે. એરંડાના બિજના કચરાને પ્રોસેસ કરી રાઈઝીન નામનું ઝેર બને છે. જેની માત્ર પાંચ મિલિગ્રામની માત્રા આપવામાં આવે તો 36થી 72 કલાકમાં વ્યક્તિનું મૃત્યું થઈ શકે છે.
ઝેરનો ઉપયોગઃ રાઈઝીન ખોરાક મારફતે શરીરમાં જાય તો સૌ પ્રથમ ડાયેરિયા થાય છે એ પછી ગણતરીના કલાકમાં કિડની અને લીવર તથા મગજના તંતુઓ ફેઈલ થઈ જતા વ્યક્તિનું મોત થાય છે. સૌથી ગંભીર અને નોંધપાત્ર વાત એ છે કે, રાઈઝીન ઝેરનો ઉપયોગ વૈશ્વિક સ્તરે યુદ્ધ અને જાસુસી માટે થાય છે. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરે જે પદ્ધતિ ડૉ. અહેમદને શીખવી હતી એ શેતાન ડૉ. અહેમદ પકડાઈ ગયો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.