અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ 21 મું ટિફિન અને હેલ્લારોની અભિનેત્રી નીલમ પંચાલને અમદાવાદમાં કેબ ડ્રાઈવરનો કડવો અનુભવ થયો છે. અમદાવાદથી મુંબઈ જતી વખતે કેબ બૂક કરાવીને રેલવે સ્ટેશન સુધી પહોંચતા અભિનેત્રીને ડ્રાઈવર બીજા રસ્તે લઈ ગયો હોવાની વિગત સામે આવી છે. જોકે, નીલમે ટ્વિટ કરીને અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. યોગ્ય મદદ મળી રહેતા તેમણે જૂની ટ્વિટ ડિલિટ કરીને નવી ટ્વિટમાં પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાલુપુર વંદેભારત મિસ થઈઃ અમદાવાદમાં પોતાના ઘરેથી અભિનેત્રીએ કાલુપુર રેલવે સ્ટેશન માટે કેબ બૂક કરી હતી. ડ્રાઈવર બીજા રસ્તે લઈ જાય છે અને ધમકી આપી રહ્યો છે એવી ટ્વિટ કરી અમદાવાદ અને ગુજરાત પોલીસને ટેગ કરતા પોલીસ સુરક્ષા હેતું કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી હતી. અભિનેત્રી અસુરક્ષિત મહેસુસ કરતા ટ્વિટ લખી હતી. પોલીસની ટીમ પહોંચે એ પહેલા કેબ ડ્રાઈવર એમને ડ્રોપ કરીને નીકળી ગયો હતો. પણ અભિનેત્રીને વંદેભારત થકી મુંબઈ પહોંચવાનું હતું. પણ સમયસર ન પહોંચતા ટ્રેન છૂટી ગઈ હતી.

બીજી ટ્રેનમાં વ્યવસ્થા કરીઃ અમદાવાદ પોલીસે કાલુપુર રેલવે સ્ટેશન પર જઈ બીજી ટ્રેનમાં બેસવાની વ્યવસ્થા કરી આપી હતી. અમદાવાદ પોલીસની મદદ મળતા અભિનેત્રી મુંબઈ માટે રવાના થઈ હતી. ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ઝડપથી પહોંચાડવાની જગ્યાએ બીજા રૂટથી કેબ ડ્રાઈવર એમને રેલવે સ્ટેશન સુધી લઈ આવ્યો. મહિલાની ડ્રાઈવર સાથે બોલાચાલી પણ થઈ હતી. એ પછી તેમણે ટ્વિટર પર પોસ્ટ મૂકી હતી અને એમની ટ્રેન પણ છૂટી ગઈ હતી. રેલવે વિભાગ સાથે સંકલન કરી અભિનેત્રીને મુંબઈ માટે રવાના કર્યા છે. મહિલાને મદદની જરૂર હોવાનો મેસેજ મળતા તાત્કાલિક ધોરણે ટીમ રવાના થઈ હતી. પોલીસે આ કેબ ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.