ગાંધીનગરઃ સતત પાંચ દિવસ સુધી શહેરમાં ઠંડક રહ્યા બાદ ગાંધીનગર શહેરના તાપમાનમાં વધારો થયો છે. 13.8 ડિગ્રીથી 14.5 ડિગ્રી વચ્ચે તાપમાન રહ્યા બાદ ગુરૂવારે તાપમાનમાં વધારો થતા ઠંડીમાં થોડી રાહત અનુભવાઈ હતી. તાપમાનમાં નજીવો એક ડિગ્રીનો વધારો થતા શહેરમાં થોડો ગરમાવો વર્તાયો હતો. ગુરૂવારે ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીમાં આંશિક રાહત મળી હતી.મહત્તમ તાપમાનમાં વધારો થતા મોડી સાંજ સુધી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
ઠંડીની અસર ઘટીઃ તાપમાનમાં વધારો થતા વહેલી સવારે અને સાંજે ઠંડીની અસર ઓછી થઈ ગઈ હતી. જ્યારે ભેજનું પ્રમાણ 58 ટકા નોંઘાયું હતું. જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 37 ટકા નોંધાયું હતું. ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનોને કારણે રાજ્યના અનેક શહેરમાં તાપમાનમાં ફેરફાર થાય છે. મોટાભાગના શહેરોમાં ઠંડા પવનોનું જોર વધતા ઠંડી વર્તાય છે. ગાંધીનગરમાં ગુરૂવારે ઠંડા પવનોમાં થોડી રાહત મળી હતી. જોકે, હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં ગાંધીનગરમાં ઠંડી વધવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે ઠંડક વર્તાશે.