નવસારીઃ દમણની દારૂ ભરીને નીકળેલો ટ્રક જૂનાગઢ પહોંચે એ પહેલા જ નવસારી પાસે ખારેલ ઓવરબ્રિજ નજીક પોલીસે પકડી પાડ્યો છે. ટ્રકમાં લસણનો સ્ટોક આગળ રાખી દારૂની બોટલ ગોઠવવામાં આવી હતી. નેશનલ હાઈવે 48 પરથી નવસારી ક્રાઈમ બ્રાંચે ચોક્કસ બાતમીના આધારે દારૂની ખેપ મારતા ટ્રકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે, જ્યારે જૂનાગઢના બુલટેગર સહિત અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
લસણની ગુણીમાં દારૂ
₹200નું કિલો લેખે લસણની ગુણી તૈયાર કરવામાં આવી હતી જેમાં દારૂની બોટલના બોક્સ છૂપાવવામાં આવ્યા હતા. નવસારી ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વી.જે. જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમ ઊતારવામાં આવી હતી. જે ટ્રકની વિગત પોલીસ સુધી પહોંચતા હાઈવે પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગણદેવી પાસે ખારેલ બ્રિજ નજીકથી આ ટ્રક પકડાયો હતો. જેમાં તપાસ કરતા લસણની ગુણીમાંથી દારૂની બોટલના બોક્સ નીકળ્યા હતા. શરૂઆતમાં દારૂનો કોઈ જથ્થો મળ્યો ન હતો. લસણની ગુણીની અંદર તપાસ કરતા આ બોક્સ દેખાયા હતા.
31 ડીસેમ્બરની તૈયારી પહેલા જ પ્લાન ફ્લોપ
31 મી ડીસેમ્બરની પાર્ટી માટેની તૈયારીઓ ખાનગી ધોરણે શરૂ થઈ છે. જેમાં ‘પાર્ટી-શાર્ટી’ માટે ખાસ આયોજન થતાં હોય છે. આવું જ આયોજન જૂનાગઢ ખાતે થાય એ પહેલાં જ નવસારી પોલીસે દારૂનો ટ્રક પકડીને પાર્ટીના આયોજન પર પાણી ફેરવી દીધું છે. ટ્રક ડ્રાઈવર દેવ ઉર્ફે ડી. એન. નારણભાઈ સાવધારિયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જેની પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, એ જૂનાગઢના બુટલેગર કિશન ઉર્ફે બોડો લખનભાઈ રાકાને ડિલેવરી આપવાનો હતો. પોલીસે પ્રોહેબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.