અમદાવાદઃ સાબરમતી નદીના કિનારે આજથી (તા. 13 નવેમ્બર 2025) ફૂડ ફેસ્ટિવલ-ફૂડ ફોર થોટ ફેસ્ટની થીમ અંતર્ગત શરૂ થઈ ગયો છે. આ કાર્યક્રમનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું. તા.16 નવેમ્બર સુધી ચાલનારા આ ફૂડ ફેસ્ટિવલમાં નેપાળ, સ્પેઈન જેવા દેશની વાનગીઓનો સ્વાદ માણવા મળશે. જ્યારે રણવીર બ્રાર-વિક્કી રત્નાની જેવા જાણીતા શૅફના હાથે બનેલી વાનગીઓ પણ પીરસાશે. આ સમગ્ર કાર્યક્રમની ટિકિટ BookMyShow ની વેબસાઈટ તથા એપ્લિકેશનથી બૂક કરી શકાય છે.
એન્ટ્રી ફ્રીઃ આ ફૂડ ફેસ્ટિવલમાં કોઈ પ્રકારની એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. જોકે, જે તે ફૂડ સ્ટોલ પાસે ચોક્કસ વાનગીઓનો ચાર્જ ચૂકવવો પડશે અને પછી તેનો સ્વાદ માણી શકાશે.ધ ટેસ્ટ ઓફ લક્ઝરી અને ધ રીજનલ ફ્લેવર એમ બે પ્રકારની થીમ અંતર્ગત ખાસ ડોમ તૈયાર કરાયા છે. જાણીતી હોટેલ દ્વારા જે તે હોટેલની સ્પેશ્યલ ડીશ પણ અહીં પીરસાશે. ખાસ વાત એ છે કે, દેશના જાણીતા જગન્નાથ મંદિરનો પ્રસાદ આ ફેસ્ટિવલમાંથી મળી રહેશે.જેને મંદિરના બ્રાહ્મણ રસોઈયાઓ દ્વારા જ તૈયાર કરવામાં આવે છે. દરરોજ સાંજે 5.30થી 8.00 વાગ્યા સુધી લાઈવ કુકિંગ શેસન્સ, ફૂડ ટેસ્ટ તથા કલ્ચર પ્રોગ્રામનો જલસો માણી શકાશે.

બૂક ફેરઃ આ ફૂડ ફેસ્ટિવલની સાથોસાથ બૂક ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા પ્રકાશકોના અને જુદી જુદી ભાષામાં પ્રકાશિત પુસ્તકો એક ડોમ હેઠળ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે. આ પુસ્તક મેળામાં કોર્પોરેશન સંચાલિક સ્કૂલના બાળકોને મુલાકાત હેતું લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીની કોફી ટેબલ બૂકનું વિમોચન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફૂડ તથા બૂકના જુદા જુદા સ્ટોલની મુલાકાત કરી હતી. જ્યારે બાળકોએ કવિ કલાપીથી લઈને ઝવેરચંદ મેઘાણી જેવા લોક સાહિત્યકારની વેશભૂષા યોજી સૌને આવકાર્યા હતા.