મુંબઈઃ બોલિવૂડના હિમેન ગણાતા ધર્મેન્દ્ર એ 89 વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું છે. એમના નિધનથી ચાહકો સહિત બોલિવૂડના તમામ સ્ટાર્સ શોકમગ્ન થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી જીવન અને મૃત્યું વચ્ચે જંગ લગતા ધર્મેન્દ્રએ મૃત્યું સામે જીવનની હાર સ્વીકારી હતી.મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલા એમના ઘરે જ એમણે અંતિમ શ્વાસ લીધા હતા. તા.12 નવેમ્બરે એમને બ્રિચકેન્ડી હોસ્પિટલમાંથી સારવાર બાદ રજા આપવામાં આવી હતી.એ પછી ઘરે એમની સારવાર ચાલું હતી.

વિલે પાર્લે સ્મશાનમાં અંતિમવિધિ
ધર્મેન્દ્રના દેહની અંતિમવિધિ વિલે પાર્લે સ્મશાનમાં કરવામાં આવી. પવનહંસ સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર દેઓલ પરિવાર સહિત બોલિવૂડના નામી સ્ટાર હાજર રહ્યા હતા અને અંતિમ દર્શન કર્યા. જય-વીરૂની શૉલે ફિલ્મની જોડીમાંથી આખરે વીરૂએ વિદાય લેતા જય એટલે કે અમિતાભ બચ્ચન પણ રડી પડ્યા હતા. છેલ્લા એક મહિનાથી શ્વાસ લેવાની તકલીફથી પીડાતા ધર્મેન્દ્રએ હિન્દી સિનેમાને ઘણું આપ્યું છે. 90મો જન્મદિવસ ઉજવે એ પહેલા જ હિમેને વિદાય લઈ લીધી. જન્મદિવસના 14 દિવસ પહેલા જ શ્વાસ છોડતા દુનિયાને અલવિદા કહ્યું હતું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સતત બે દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતા. 8 ડિસેમ્બરના રોજ એમનો જન્મદિવસ હતો.

લુધિયાણાના ગામમાં જન્મ
ધર્મેન્દ્રનો જન્મ લુધિયાણાના નસરાલી ગામે થયો હતો. એમનું સાચું નામ કેવલ કૃષ્ણ દેઓલ હતું. ફિલ્મી દુનિયામાં આવતા જ તેમણે પોતાનું નામ ધર્મેન્દ્ર રાખ્યું. પંજાબી જાટ પરિવારમાં જન્મેલા આ કલાકારે 19 વર્ષે પ્રકાશ કૌર નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી એમને બે દીકરા સની અને બેબી તથા બે દીકરી વિજેતા અને અજીતાનો જન્મ થયો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા હેમા માલિની સાથે પ્રેમ થતા સાંસારિક જીવનને લઈ વિવાદ થયા. એ પછી ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો. આ લગ્નથી એમને ત્યાં બે દીકરી જન્મી. જેનું નામ ઈશા અને આહના દેઓલ છે. વર્ષ 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે નામની ફિલ્મથી ધર્મેન્દ્રએ હિન્દી સિનેજગતમાં ડેબ્યૂ કર્યું. આઈ મિલન કી બેલા જેવી ફિલ્મ હિટ થતા એમના એક્ટિંગ કરિયરને નવી ઊંચાઈ મળી. નાની મોટી થઈને 300થી વધારે ફિલ્મમાં કામ કરી નવી અને જૂની એમ બન્ને પેઢી સાથે સ્ક્રિન શેર કરી. અપને ફિલ્મમાં પરિવારના જ પુત્રો સાથે ફિલ્મી પદડે કામ કર્યું. એક વર્ષમાં સતત સાત હિટ ફિલ્મનો રેકોર્ડ આજે પણ એમના નામે છે.