નવી દિલ્હીઃ નવી દિલ્લીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ કેસમાં પોલીસને ગુરૂવારે (તા.13 નવેમ્બર 2025) મહત્ત્વની કડી મળી હતી. ફરિદાબાદ મોડ્યુલ સાથે જોડાયેલી ત્રીજી કાર જપ્ત કરવામાં આવી હતી. આ બ્રેઝા કાર ડૉ. શાહીનના નામે હોવાનું સામે આવ્યું છે. હરિયાણા પોલીસે બોંબ સ્ક્વોડ સાથે 3 કલાક સુધી કારની તપાસ કર્યા બાદ જપ્ત કરી હતી. જેમાં બે વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની પૂછપરછ શરૂ કરી દીધી છે.
હરિયાણામાં તપાસઃ નવી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસની તપાસ કરતા પોલીસને આ કડી મળી હતી. જેમાં આતંકી ડૉ. ઉમર નબીના નામે ઈકો સ્પોર્ટ્સ કારની તપાસ કરતા ખુલાસો થયો હતો.આ કાર બ્લાસ્ટના બે દિવસ બાદ ફરિદાબાદ ખંદાવલી ગામે મળી હતી. બુધવારે આખો દિવસ હરિયાણામાં તપાસનો ધમધમાટ ચાલું રહ્યો હતો. કાર પાર્ક કરનારા ફહિમ નામના વ્યક્તિને પોલીસે પકડી પૂછપરછ કરી છે. આ ફહિમ ડૉ. ઉમરનો આસિસ્ટન્ટ હોવાનું જાણવા મળ્યું છે.
એરિયા સીલઃ મંગળવારે રાત્રે આ કારનું ચોક્કસ લોકેશન મળી આવતા કાર જપ્ત કરવામાં આવી છે. જ્યારે આસપાસનો 200 મીટરનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ હવે ચોથી કાર શોધી રહી છે. જે સ્વિફ્ટ હોવાનું માનવામાં આવે છે. ગુરૂગ્રામ, ફરિદાબાદ અને નૂહ જેવા વિસ્તારમાં કારની તપાસ ચાલી રહી છે.આ માટે પોલીસે કેટલાક ડીલર્સને પણ પોતાના સંપર્કમાં લીધા છે. નૂંહના એક કાર ડીલરની પણ ધરપકડ કરવામાં આવી છે.
ફિરોઝપુર ક્નેક્શનઃ આતંકવાદી ઉમર નબી 9 નવેમ્બરના રોજ ફિરોઝપુરમાં રોકાયો હોવાના પુરાવા મળ્યા છે. એ પછી તે ઝિરકાથી દિલ્હી માટે રવાના થયો હતો. સીસીટીવી ફૂટેજમાં એમની કાર જોવા મળી હતી. જેમાં વિસ્ફોટક ભર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. દિલ્હી અને હરિયાણા પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળી એકથી એક કડી જોડી છે. આ કેસમાં આતંકી ક્નેક્શન સામે આવ્યા બાદ છેક કાશ્મીર સુધી તપાસ લંબાઈ શકે છે.