અમદાવાદઃ અમદાવાદના સોનીને હત્યા કરવાની ધમકી દઈ ₹15 લાખની ખંડણીના કેસમાં કોર્ટે ગોસ્વામી ગેંગને દોષિત જાહેર કરી દીધી છે. જેમાં વિશાલ ગોસ્વામી સહિત અન્ય બે શખ્સો પણ સામિલ છે. રિંકુ તથા સતીશ ગોસ્વામીને પણ વિશાલ સાથે સજા થઈ શકે છે. અગાઉના કેસમાં પણ વિશાલ ગોસ્વામીને સજા ફટકારવામાં આવી હતી. જ્યારે રિંકુ ગોસ્વામી હાલમાં જેલમાં છે. ટૂંક સમયમાં પૈસાદાર થવાની લાલચમાં વિશાલે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો હતો. રાજસ્થાનથી મધ્ય પ્રદેશ અને પછી દિલ્હી સુધી ગુનાઓ આચર્યા હતા. દિલ્હીમાં લૂંટફાટ કર્યા બાદ તે ગુજરાતમાં આવ્યો હતો અને સોની-જ્વેલર્સને શિકાર બનાવ્યા હતા.
ગેસ એજન્સીમાં નોકરી કરી
અમદાવાદ અને ભૂજની ગેસ અજન્સીમાં ડ્રાઈવર તરીકેની નોકરી પોતાના ભાઈ સાથે શરૂ કરીને લોકોને લૂંટવાનું શરૂ કર્યું હતું. ભૂજના માધાપરમાં આવેલી બેંકમાં લૂંટ ચલાવીને ગુજરાતમાં ક્રાઈમ કુંડળીમાં પોતાનું નામ લખાવ્યું. એ પછી અમદાવાદ આવીને શહેરની બે બેંકમાં લૂંટ ચલાવી હતી. અંતે જ્વેલર્સને લૂંટીને ખંડણી લેવાનું શરૂ કર્યું હતું.અમદાવાદના સોનીઓ પાસેથી મોટી રકમ ઉઘરાવીને ધાક જમાવી હતી. રાજ્યમાં ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યા બાદ વિશાલ ગોસ્વામી સામે પણ ગુજસીટોક અંતર્ગત ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. વિશાલ મોટા સોની વેપારીઓને ફોન કરીને ધમકાવતો અને પછી પૈસા ઉઘરાવતો હતો.
ગોળી મારીને પૈસા લૂંટ્યા
અમદાવાદના બાલ કૃષ્ણ જ્વેલર્સના માલિક પંકજ સોનીને ગોળી મારીને ₹2.50 લાખની લૂંટ ચલાવી હોવાની ચોપડે નોંધ છે. જ્યારે ગોલ્ડ પેલેસના માલિક પ્રકાશ પટેલ પર હુમલો કરીને ધમકી આપી હોવાની પણ વિગત સામે આવી છે. જોકે, કોર્ટ આ તમામ પુરાવાઓના આધારે સજા સાથે આર્થિક દંડ ફટકારી શકે છે.