ધર્મ ડેસ્કઃ ભારત જ નહીં ભારત સિવાયના દેશમાં પણ દેવી-દેવતાઓનું પૂજન અર્ચન થાય છે. ભારત સિવાય પણ શક્તિપીઠ જ્યાં આવેલા છે ત્યાં દેવીઓની આરાધના કરવામાં આવે છે. બિહારમાં પણ એક શક્તિપીઠ ધામ આવેલું છે. બિહારના રોહતાસ જિલ્લામાં તુતલા ભવાની માતાનું મંદિર આવેલું છે. જે પ્રકૃતિના સૌદર્ય વચ્ચે છે. કૈમુરની ટેકરીઓની તળેટીમાં આવેલા આ મંદિરનો ઉલ્લેખ પ્રાચીનકાળની શક્તિઓમાં પણ છે. જેનું વર્ણન માર્કંડેય પુરાનામાં વાંચવા મળ્યું છે. તુતલા ભવાની માતાને શોણાક્ષી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ધાર્મિક માન્યતા જાણવા જેવી છે
એક એવી ધાર્મિક માન્યતા છે કે, નવરાત્રીના તહેવારમાં આઠમના દિવસે માતાજી અહીં સાક્ષાત નૃત્ય કરવા માટે આવે છે. નોરતાના પર્વમાં દેશભરમાંથી માઈભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. પુરાણમાં સોન નદીના કિનારે શોણાક્ષી દેવીના મંદિરનું સવિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ વાત એછે કે, માતા દુર્ગાના અભિષેકના પ્રસંગે રાજાએ પોતાનો પહેલો શિલાલેખ તૈયાર કરાવ્યો હતો. આ રાજાનું નામ ખારવાર રાજા પ્રતાપ ધવલદેવ હતું. એ સમયે રાજવી પરિવાર અહીંયા વસવાટ કરતો હતો. આ શિલાલેખની ભાષા સંસ્કૃત છે અને લીપી નાગરી છે. અન્ય એક શિલાલેખ જે શારદા લીપીમાં જોવા મળે છે એ આઠમી સદીનો હોવાનું માનવામાં આવે છે. તુતલા ભવાની મંદિર પહાડી વિસ્તારમાં છે. નોરતા સિવાય શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મંદિરમાં ખાસ પૂજા કરવામાં આવે છે.
માતાજીનું સ્વરૂપ
માતાની મૂર્તિ પણ અદભૂત છે. ગડવાલ કાલીન મૂર્તિ કલાનું એ શ્રેષ્ઠ ઉદાહરણ છે. મંદિરના પૂજારી કહે છે કે, આ યાત્રાધામ બિહારનું પ્રાચીન યાત્રાધામ પૈકી એક છે. અહીંયા સુધી પહોંચવાનો રસ્તો સરળ ન હોવાથી અન્ય દિવસોમાં ભાવિકો ઓછા હોય છે. નવા રસ્તાઓ તૈયાર થતા હવે ભીડ થવા લાગી છે. અહીં જે લોકો સંકલ્પ લઈને આવે છે એમના તમામ સંકલ્પ માતાજી પૂરા કરે છે. રોહતાસ જિલ્લાથી 75 કિમીનું અંતર છે અને સમગ્ર પહાડી વિસ્તારમાં ઘણીવાર યુવાનો ટ્રેકિંગ માટે પણ આવે છે. આ મંદિરમાં માતાજીનું મહિષાસુર મન્દિની સ્વરૂપ છે.આસપાસનું સૌદર્ય ઉત્તમ હોવાથી હવે વીકએન્ડમાં ઘણા પરિવારો અહીંયા દર્શન અને પિકનિક માટે આવે છે.