ભાવનગરઃ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં સિટીમાં જુદા-જુદા વિસ્તારમાં CCTV સેટ કરીને નજર રાખવામાં આવશે. આ મેગા પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 700 જેટલા લોકેશન પર 1600 CCTV કેમેરા લગાવવામાં આવશે. આ માટે ₹134 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી સરકારમાંથી મળી ચૂકી છે.મહાનગર પાલિકાની મિકલતો પર હવે સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના જાહેર સ્થળ પર દેખરેખ રાખવા માટે પણ આ કેમેરા ઉપયોગમાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની સ્પષ્ટતાઃ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, શહેરના જાહેર સ્થળો પર CCTV કેમેરા ફીટ કરી OFC નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. આનાથી ભાવનગરના નાગરિકોની સુવિધામાં વધારો થશે.મહાનગર પાલિકા મુખ્યકચેરી, પેટા કચેરી, ઝોનલ કચેરી, આરોગ્ય કેન્દ્ર, વૉર્ડની ઓફિસ, તળાવ, બાગ-બગીચાઓ, સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, પાણી માટેનો ફિલ્ટર પ્લાન્ટ, પંપ હાઉસ, ડંપિગ સાઈટ તથા આંગણવાડી કેન્દ્રને CCTV કેમેરાના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે. બીજી તરફ સિટીમાં ઓપ્લિટકલ ફાયબર નેટવર્ક દ્વારા પબ્લિક એનાઉસમેન્ટ, જાહેરહિત માટે ડિસપ્લે પરથી જાહેરાત તથા વિવિધ સ્થળોએ આઉટડોર લગાવવા માટેની તૈયારીઓ છે.
CCC સેન્ટ્રરની મંજૂરી મળીઃ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઉમેર્યું હતું કે, CCC સેન્ટ્રરની મંજૂરી મળી ચૂકી છે. જેની પાછળ આશરે ₹34.32 કરોડનો ખર્ચ થઈ શકે છે.આ સેન્ટરમાં સર્વરરૂ, ડેટાસેન્ટર, વિડિયો વોલ જેવી આધુનિક સુવિધાઓથી આઈટી ઈન્ફ્રાસ્ટ્ર્કચર તૈયાર કરાયું છે. CCTV ઈન્સ્ટોલ થતા હવે કોર્પોરેશનની જમીન પર ખોટી રીતે થતાં દબાણને અટકાવી શકાશે. ચોમાસુ સીઝનમાં પાણી ભરાશે તો તાત્કાલિક મોનિટર કરી શકાશે. ફરિયાદ પૂર્વે તથા ફરિયાદ વખતે કંટ્રોલરૂમ એલર્ટ થશે. ફરિયાદનો તાત્કાલિક ઉકેલ આવશે. આ ઉપરાંત રખડતા ઢોર તથા બાગ-બગીચાને નુકસાન કરતા શખ્સો સામે વિડિયો આધારિત પુરાવાઓ મળી રહેશે.
હેલ્પડેસ્ક મદદ કરશેઃ કોર્પોરેશન અંતર્ગત આવતી તમામ કચેરીઓને ઈન્ટરનેટ ક્નેક્ટિવિટીથી જોડી દેવાઈ છે. 24×7 ચાલતા હેલ્પડેસ્કથી નાગરિકોને મદદ પણ મળી રહેશે. આ માટે સ્ટાફને સવિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. સમયાંતરે એનું મુલ્યાંકન થશે અને મોનિટરિંગ રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.