ડેડિયાપાડાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ડેડિયાપાડામાં ભગવાન બિરસામુંડાની જન્મજયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે આશરે ₹9700 કરોડના જુદા-જુદા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત પ્રવાસની શરૂઆત આ વખતે મોદીએ સુરતથી કરી છે. તેઓ સુરત એરપોર્ટથી અંત્રોલી પહોંચ્યા અને બુલેટ ટ્રેનના નવા તૈયાર થયેલા સ્ટેશનની મુલાકાત કરી હતી.
બપોરે નર્મદા પહોંચશેઃ સુરતમાં તૈયાર થયેલા નવા બુલેટ ટ્રેનના સ્ટેશનની મુલાકાત લીધા બાદ તેઓ નર્મદા માટે રવાના થશે, જ્યાં દેવમોગરા મંદિરે દર્શન કરશે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં એમની મહાસભા યોજાશે. જ્યાંથી વિવિધ પ્રકલ્પોનું વર્ચ્ચુયઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે.મોદી દિલ્હી જતા પહેલા સુરતમાં રહેતા મૂળ બિહારના લોકોને મળશે. બિહારમાં NDAને મળેલી જીતને લઈ બિહારવાસીઓનું અભિવાદન જીલશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સુરત એરપોર્ટ ખાતે વડાપ્રધાનના સ્વાગત માટે પહોંચ્યા હતા.
આદિવાસી શાળા શરૂઃ વડાપ્રધાનના હસ્તે આદિવાસી લોકોના બાળકો માટે ₹2320 કરોડના ખર્ચે 50 નવી એકલવ્ય મોડેલ શાળાનો શિલાન્યાસ થશે, જેથી આદિવાસી પરિવારના બાળકોનો સર્વાંગી વિકાસ થશે. ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરૂ પાડવાની દિશામાં નવી શાળા સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. વડાપ્રધાન આ સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કરશે. અંત્રોલી મુલાકાત દરમિયાન સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપશે. ટ્રેકથી લઈને સુરક્ષા સુધી અને રેલ ઈન્ફ્રા.થી લઈને સવલત સુધી તમામ પાસાઓનું નિરિક્ષણ કરશે. બિહારમાં NDAની ભવ્ય જીત બાદ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે.
પાટીલે રજૂઆત કરીઃ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે મોદીને રજૂઆત કરી હતી કે, સુરતમાં વસતા બિહારવાસીઓ અભિવાદન કરવા ઈચ્છે છે. એમની આ વાતને અને લોકોની ઈચ્છાને માન આપી મોદીએ વાત માની હતી. એરપોર્ટની બહાર 20 હજાર લોકો વડાપ્રધાનનું અભિવાદન કરશે.