લીંબડીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારની આર્થિક મદદથી નગરપાલિકા ભવન નજીક ₹5.12 કરોડના ખર્ચે અદ્યતન કુમાર છાત્રાલય તૈયાર થઈ રહ્યું છે. જેનાથી આવનારા દિવસોમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના અનેક વિદ્યાર્થીઓને મોટી રાહત થશે. આ કુમાર છાત્રાલયમાંથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રહેવા-જમવાની શ્રેષ્ઠ સુવિધા મળી રહેશે. વિદ્યાર્થીઓ સારી રીતે રહી શકે એ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
100 વિદ્યાર્થીઓ રહી શકેઃ આ કુમાર છાત્રાલયમાં 100 વિદ્યાર્થીઓ રહી શકે એ માટે સુવિધા તૈયાર થઈ રહી છે. હવા-ઉજાશવાળા રૂમ, સ્વચ્છ ફ્લોર, ભોજનકક્ષ, લાયબ્રેરી, કૉમ્પ્યુટર લેબ તથા અભ્યાસને અનુરૂપ વાતાવરણ ઊભું થાય એ માટે તૈયારીઓ થઈ રહી છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી એવા તમામ પાસાઓને ધ્યાને લઈને આ છાત્રાલય તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય કક્ષાએ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત રહેવાની સગવડ મળી રહે એ આ પ્રકલ્પનો હેતુ છે. ખાસ કરીને આસપાસની કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ છાત્રાલય રહેવા-જમવા માટે ઉત્તમ માધ્યમ બની રહેશે.
વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન રખાશેઃ સરકારના નિયમાનુંસાર તૈયાર થઈ રહેલા છાત્રાલયમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પણ ધ્યાને લેવાશે. વિદ્યાર્થીઓને કોઈ રીતે અગવડ ન પડે એનું ધ્યાન રાખવામાં આવશે. આ સુવિધાથી શિક્ષણનું સ્તર સુધરશે અને વિદ્યાર્થીઓના અભ્યાસ સ્તરને વિકસાવવામાં પણ મોટી મદદ મળી રહેશે.