ગોંડલઃ ગોંડલના અમિત ખુંટ આત્મહત્યા કેસમાં રીબડાના રાજદીપસિંહ જાડેજાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પણ કોઈ કારણોસર મેળ ન પડતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. રાજદીપસિંહ છેલ્લે છ મહિનાથી અમિત ખુંટ કેસમાં ફરાર હતો. જેની હવે પોલીસે કાયદેસર રીતે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં મળી આવેલી સ્યૂસાઈડ નોટમાં અનિરૂદ્ધસિંહ જાડેજા અને એમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
બાપ-દીકરા સામે ગુનો નોંધાયોઃ સ્યૂસાઈડ નોટના આધારે પોલીસે બાપ-દીકરા સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. રાજદીપસિંહે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે, બન્ને કોર્ટે આ અરજી ફગાવી દેતા રાજદીપસિંહની મુશ્કેલી વધી હતી. હકીકત એ પણ છે કે, પોલીસ સામે આત્મસમર્પણ વખતે રાજદીપસિંહ કંઈ થયું જ ન હોય એમ હસતાં ચેહરે આવી રહ્યો છે. આ કેસમાં એક હનિટ્રેપ પણ પ્લાન કરવામાં આવી હતી. એવું પોલીસને જાણવા મળ્યું છે.
સગીરા પણ કેસમાંઃ આ કેસ સંબંધીત પોલીસે પહેલા પૂજા રાજગોર અને અન્ય એક સગીરાની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. એટલું જ નહીં, સમગ્ર ષડયંત્રમાં મદદ કરવા બદલ બે વકીલ, સંજય પંડીત અને દિનેશ પાતરની પણ પોલીસે ધરપકડ કરી છે. રાજદીપસિંહના સરેન્ડર બાદ પોલીસે રીમાન્ડ લેવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પોલીસ કેસ નોંધાયાના એક દિવસ બાદ અમિત ખુંટે ગોંડલ નજીક એક વાડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે તે સમયે પોલીસને ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં અનિરુદ્ધ સિંહ તેમજ તેમના દીકરા જયરાજસિંહ અને સગીરાના નામનો પણ ઉલ્લેખ હતો. રીમાન્ડ પૂરા થયા બાદ આ કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.