નવી દિલ્હીઃ આખરે દોસ્ત દોસ્ત હોતા હૈ. આ વાત રશિયાએ ફરી એકવાર સાબિત કરી દીધી છે. જ્યાં અમેરિકા પોતાનું યુદ્ધ વિમાન F-35 વેચવા માટે દબાણ ઊભું કરી રહ્યું હતું એવા સમયમાં રશિયાએ પોતાની મિત્રતા નિભાવીને 5મી જનરેશનનું યુદ્ધ વિમાન Su-57 ભારતને આપવાની વાત કરી છે. દુબઈના એર શૉમાં રશિયાની કંપની રોસ્ટેકના અધિકારી સેર્ગેઈ કેમેજોવે કહ્યું હતું કે, આ ફાઈટર જેટની ટેકનોલોજી પણ કોઈ પણ પ્રકારની શરત વગર ભારત આપવામાં આવશે. ભારત ઈચ્છે તો એમના જ દેશમાં આ વિમાનનું ઉત્પાદન પણ કરી શકાશે.
સૈન્ય શક્તિમાં વધારો થશે
રશિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર તાજેતરમાં જ મોસ્કોમાં રાષ્ટ્રપ્રમુખ વ્હાદિમીર પુતિનને મળ્યા હતા. એ મુલાકાત બાદ આ સમાચાર આવ્યા છે.હકીકત એ પણ સામે આવી છે કે, પુતિન આવતા મહિને ભારત મુલાકાતે આવી શકે છે. અધિકારીએ પોતાની વાત ઉમેરતા કહ્યું કે, ભારત અને રશિયા વર્ષોથી ડિફેન્સના હથિયાર ક્ષેત્રે સારા ભાગીદારો છે. જ્યારે ભારત પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લાગ્યા હતા એ સમયે પણ રશિયાએ સુરક્ષા માટે હથિયાર સપ્લાય કર્યા હતા. અમે આજે પણ એ જ પોલીસીને ફોલો કરી રહ્યા છીએ.
ભારતને થશે મોટો ફાયદો
રશિયાના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાનો છે. ભવિષ્યમાં પણ રશિયા આ સહયોગ જાળવી રાખશે અને વધારે મજબૂત કરશે. Su-57માં એન્જિન, રડાર, સ્ટિલ્થ ટેકનોલોજી અને અતિ આધુનિક હથિયાની જાણકારી છે. જો ભારત ઈચ્છે તો Su-57નું ઉત્પાદન પોતાના દેશમાં પણ કરી શકે છે. રશિયાએ Su-57 બનાવવા માટે જોઈન્ટ પ્લાનિંગ કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. રશિયાએ ઉમેર્યું કે, આ બધુ ભારતમાં વિદેશી કોઈ પ્રતિબંધ વગર કરી શકાય એમ છે. દાયકાઓથી રશિયા ભારતનું મિલિટરી સપ્લાયર રહ્યો છે. ફાઈટર જેટ, સબમરીનથી લઈને મિસાઈલ સિસ્ટમ સુધી તથા હેલિકોપ્ટર્સ સુધી ભારતને સૈન્ય મદદ કરે છે.
ટેક્નોલોજી પણ આપશે
Su-57ની ટેકનોલોજી ભારતને આપવાનો અર્થ એ થયો કે, ભવિષ્યમાં Su-57નું વર્ઝન ભારત તૈયાર કરી શકે છે. કોઈ પણ યુદ્ધ વિમાનની ટેક્નોલોજી ટ્રાંસફર કરવી એ કોઈ સામાન્ય વાત નથી. ખાસ કરીને જ્યારે ડિફેન્સ સિસ્ટમમાં હાઈ એન્ડ વોર પ્લેન આપવાની વાત હોય. ફાઈટર જેટ ટેક્નોલોજી દુનિયાની સૌથી ગુપ્ત અને સંવેદનશીલ ટેકનિક હોય છે. ફાઈટર જેટ માત્ર એક મશીન નથી પણ કોઈ પણ દેશની સૈન્ય શક્તિ, એન્જિનિયરિંગ અને રણનીતિનો એક ભાગ છે. ચીન જે રશિયાનો પણ ડિફેન્સ પાર્ટનર છે એમને પણ રશિયાએ Su-57ની ટેકનોલોજી આપી નથી. માત્ર Su-57 વિમાન આપ્યા છે.
ભારતમાં 5 જનરેશન ફાઈટર જેટ
ભારતમાં 5મી જનરેશનના ફાઈટર જેટનું નિર્માણ થઈ રહ્યું છે. જેનો પ્રોટોટાઈમ આગામી 2થી 3 વર્ષમાં પૂર્ણ થઈ જશે. 15 હજાર કરોડના આ પ્રોજેક્ટને વર્ષ 2024માં મંજૂરી મળી હતી. કેબિનેટ સમિતિ અનુસાર AMCA વિમાન ભારતીય વાયુ સેનાના યુદ્ધ વિમાનથી મોટું હશે. જેમાં દુશ્મનના રડારથી બચવા માટે સ્ટિલ્થ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. દુનિયાના અન્ય રાષ્ટ્રમાં અસ્તિત્વ ધરાવતા 5 મી જનરેશનના વિમાન કરતા એડવાન્સડ હશે.