અમદાવાદઃ શિયાળું સીઝનમાં ગેસ ચેમ્બર બની જતા દિલ્હી સિટીમાં સ્થિતિ વણસી રહી છે. જોકે, આવી જ સ્થિતિ મહાનગર અમદાવાદની બની રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ શુક્રવારથી સતત ત્રણ દિવસથી 200ને પાર થતા હવા ઝેરી બની છે. ગુરૂવારે રાત્રે અમદાવાદનો AQI 212 સુધી પહોંચ્યો હતો. જ્યારે થલતેજ વિસ્તારમાં 300 AQI સાથે સમગ્ર વિસ્તાર સૌથી પ્રદૂષિત હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ શહેરમાં ગુરૂવારે 12 એવા એરિયા હતા, જ્યાં AQI 200 ને પાર થઈ ગયો હતો.
બપોર સુધી બધુ બરોબરઃ ગુરૂવારે બપોર સુધી 100 AQI હતો ત્યાં સુધી બધુ બરોબર હતું. સાંજે 6 વાગ્યા બાદ સ્થિતિ વણસી હતી. AQI ચિંતાજનક રીતે વધતા રાત્રીના 8 વાગ્યા સુધીમાં 212 સુધી પહોંચી ગયો હતો. માત્ર અમદાવાદ જ નહીં, દિલ્હી, બેંગ્લુરૂ, ચેન્નઈ અને હૈદરાબાદમાં પણ સ્થિતિ ખરાબ જોવા મળી છે. આ તમામ શહેરો કરતા અમદાવાદનો AQI સૌથી વધારે એક દિવસનો નોંધાયો હતો. જ્યારે દિલ્હીમાં ગુરુવારે AQI 400ને પાર થઈ જતા શ્વાસ લેવો મુશ્કેલ થઈ પડ્યો હતો.
શ્વાસ લેવામાં મુશ્કેલીઃ પ્રદૂષિત હવાને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. બીજી તરફ શ્વાસના દર્દીઓમાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું હિતાવહ છે. વિશ્રામનગરમાં 260, સીપી નગર 1માં 233, ઉષ્માનપુરામાં 223, બોડકદેવમાં 213, સેટેલાઈટમાં 207, કઠવાડામાં 203, રખિયાલમાં 203, રામદેવનગરમાં 203, બોપલમાં 203, શાહીબાગમાં 203, ચાંદખેડામાં 173, ગ્યાસપુરમાં 193, ઘુમામાં 190 અને મણિનગરમાં 170 AQI નોંધાયો હતો. શિયાળું સીઝનને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ધુમ્મસ છે કે, પ્રદૂષણ એ પારખી શકાતું નથી.