અમદાવાદઃ અમેરિકામાં રહેતા ગુજરાતીઓને આયુર્વેદિક દવાના બહાને છેત્તરતું કોલ સેન્ટર ઝડપાયું છે. નવરંગ પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે આશ્રમ રોડ પર આવેલા સાકાર 9 બિલ્ડિંગમાં 12માં ફ્લોર પર દરોડો પાડી 20 યુવક-યુવતીઓને પકડી લીધા છે. છેલ્લા 6 મહિનાથી ચાલતા કોલસેન્ટરમાં અભિષેક પાઠક મુખ્ય સુત્રધાર હોવાનું જાણવા મળ્યું છે. કોર્પોરેટ સ્ટાઈલથી ચાલતા કોલસેન્ટરમાં મેનેજર, 2 ટીમ લીડર તથા કોલિંગ કરવા માટે ખાસ માણસો રાખવામાં આવ્યા હતા.
દવાના બહાને ડૉલર પડાવતા
આયુર્વેદિક દવા મોકલવાના બહાને આ ટોકળી ડૉલરમાં પૈસા પડાવતી હતી. આ કોલ સેન્ટર આખી રાત ધમધમતુ અને અમદાવાદમાં પૈસા કમાવવા કે ભણવા માટે આવતા યુવક-યુવતીઓને નોકરીમાં રાખવામાં આવતા. આ તમામને ચોક્કસ રીતે બોલવા માટેની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. કોમ્પ્યુટર, લેપટોપ સાથે 6 પાનાની જુદી-જુદી સ્ક્રિપ્ટ આપવામાં આવતી હતી. આ તમામ યુવક યુવતીઓને મહિને 25 હજારથી 35 હજાર સુધીનો પગાર આપવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન ખાવા-પીવાની સગવડ પણ આપવામાં આવતી હતી.
અભિષેકનો ભાઈ આપતો માહિતી
આ કેસમાં ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં મુખ્ય સુત્રધાર અભિષેક પાઠક, નિખિલ જૈન મેનેજર, ગણપત પ્રજાપતિ ટીમ લીડર અને કરણસિંહ ચૌહાણ ટીમ લીડરનો સમાવેશ થાય છે. આ કેસમાં પોલીસે કોર્ટમાંથી 2 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. અભિષેકનો ભાઈ અમેરિકામાં રહે છે અને તે ગુજરાતી પરિવારોની માહિતી આ કોલ સેન્ટર સુધી પહોંચાડતો હતો.6 મહિનામાં કેટલા પરિવારો સાથે છેત્તરપિંડી કરી અને ક્યા માણસોને ફોન કર્યા એ અંગે પોલીસ પૂછપરછ કરશે.