અમદાવાદઃ નારોલથી નરોડા પાટિયા સુધીનો 14 કિમીનો રસ્તો આઈકોનિક રોડ બનશે. આ માટે કોર્પોરેશન દ્વારા ₹262 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ સમગ્ર પ્રોજેકટ વર્ષ 2027 સુધીમાં તૈયાર થઈ જશે. આ રોડ તૈયાર કરવા માટે કોર્પોરેશને ટેન્ડર બહાર પાડ્યું છે. અત્યારે આ રસ્તા પર જે BRTS ક્નેક્ટિવિટી આપવામાં આવી છે તેને યથાવત રાખવામાં આવશે. સાઈડના રસ્તા પર ફૂડઝોન માટે મંજૂરી આપવામાં આવી છે.
રોડની સાઈઝમાં ફેરફાર નહીં થાય
આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થતા બે વર્ષનો સમય લાગશે. રસ્તો તૈયાર થઈ ગયા બાદ રસ્તાની સાઈઝમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરાશે. જ્યાં ટ્રાફિક જામ થશે તે નડતર સ્થિતિને દૂર કરવામાં આવશે. દબાણ હટાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટને લઈ સ્ટેન્ડિક કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, લોકોની સુવિધા માટે આ 14 કિમીના રસ્તાનો વિકાસ કરવામાં આવશે.આ રસ્તો શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારને જોડે છે. માત્ર ફૂડઝોન જ નહીં પાર્કિંગ અને બસ સ્ટેશન માટેની પણ સુવિધાઓ તૈયાર કરવામાં આવશે. અમારો હેતું આ રોડને ટ્રાફિક મુક્ત કરવાનો અને સુવિધાયુક્ત બનાવવાનો છે.
ઓલિમ્પિકની થીમ પર રોડ
શહેરના બીજા એરિયાની વાત કરવામાં આવે તો શ્યામલ ચાર રસ્તાથી થઈ S.G.Highway સુધીના 3 કિમીના રસ્તાને ઓલિમ્પિકની થીમ પર તૈયાર કરવામાં આવશે.હાલમાં રામદેવનગર ચાર રસ્તાથી ઈસ્કોન ચાર રસ્તા સુધીના રસ્તાનું એક તરફનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે સામેની બાજુમાં રસ્તાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જોકે, સર્વિસ લેનને પણ મોટી ક્નેક્ટિવિટી મળતા ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં મદદ મળી રહેશે.