અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ ખાતે 13 નવેમ્બરથી શરૂ થયેલા ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલના પાંચમા દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ (AWHCT) દ્વારા ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન (TCGL) સાથે મળીને ‘ટુરિઝમ ફ્યુચર્સ ફોર અમદાવાદ: કોલાબોરેશન ફોર ગ્રોથ’ના વિષય પર ટુરિઝમ ક્ષેત્ર માટે વિશેષ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ અમદાવાદને ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે વધુ સફળતાપૂર્વક બ્રાંડ કરવા, શહેરના ટુર ઓપરેટર્સ, હોટેલિયર્સ અને વિવિધ ટુરિઝમ સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા અને ભવિષ્યના ટુરિઝમ પ્લાન અંગે સંવાદ સ્થાપિત કરવાનો હતો.
ટુરિઝમ સંસ્થાઓ જોડાઈ
સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે યોજાયેલા આ સેમિનારમાં ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન, હેરિટેજ હોટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા, IATO, TAAI સહિતની રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની ટુરિઝમ સંસ્થાઓ તેમજ અમદાવાદના ટુર ઓપરેટર્સ અને હોટેલિયર્સ મળીને અંદાજિત 50 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. IIM અમદાવાદના પ્રોફેસર શુભદીપ રોય દ્વારા ‘ટુરિઝમ એન્ડ કલ્ચરઃ એ ગ્લોબલ પર્સપેક્ટિવ ફોર હેરિટેજ પ્રોમોશન એન્ડ કલ્ચર એઝ એ ટૂલ ફોર બ્રાન્ડિગ ધ સિટી’ના વિષય પર મહત્વપૂર્ણ સત્રમાં ચર્ચા કરી. AWHCTના ડિરેક્ટર પીયુષ પંડ્યાએ અમદાવાદના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેના મહત્વ અને ટ્રસ્ટની પહેલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

યોજના અંગે ચર્ચા થઈ
ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનની અંકિતા પરમારે ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રમાં ચાલી રહેલી પહેલ અને ખાસ કરીને અમદાવાદ ક્ષેત્ર માટેની સહાયકારી યોજનાઓ અંગે રજૂઆત કરી હતી ત્યારબાદ ઓપન હાઉસ અને ગ્રુપ એક્ટિવિટી દ્વારા ટૂર ઓપરેટર્સ પોતાનાં સૂચનો, પડકારો અને સહયોગની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. અમદાવાદનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો, વૈવિધ્યસભર સંસ્કૃતિ, હેરિટેજ પોળો, આધુનિક સ્થાપત્ય, ધાર્મિક સ્થળો અને નેચરલ એસેટ્સ તેને ટુરિઝમ ક્ષેત્રમાં વિશાળ વૃદ્ધિ સંભાવનાઓ આપે છે. શહેર પ્રાદેશિક પ્રવાસન સર્કિટ્સનું મહત્વનું હબ હોવાથી સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવામાં મોટા અવસર ઊભા થાય છે.