અમદાવાદઃ રામોલ હાથીજણ વોર્ડના વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટી જતા પાણીના ફુવારા થયા હતા. પાંચ માળ સુધી પાણી ઉછળતા પાણીનો વડફાટ થયો હતો. ન્યૂ મણિનગરના મણિકેશ્વર મહાદેવથી સદગુરૂ બંગ્લોઝ જતા માર્ગ પર રાજ રેસીડેંસીની સામે AMCની પીવાના પાણીની લાઈન તૂટી હતી. એક કિલોમીટરના રોડનું કામ હજું 6 મહિના પેહલા જ પૂર્ણ થયું હતું. આ રસ્તા પર ગટરનું ગંદુ પાણી જમીનમાં રહેલી પાઈપલાઈનમાંથી લીક થતું હતું. જમીનમાં જ ગટરના ગંદા પાણીની સાથે પીવાના પાણીની લાઈન મિક્સ થઈ જતાં મુશ્કેલી થઈ હતી.
ઘરમાં પીવાના પાણીની રેલમછેલ
આ શુદ્ધ પાણી અને ગટરનું પાણી પાઈપલાઈનામાં ક્યાંથી મિક્સ થાય છે એ શોધવા માટે એએમસીની ટીમ કામે લાગી હતી. છતાં કોઈ ઉકેલ મળ્યો ન હતો, જેના પરિણામે વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું હતું જેને સમથળ કરવાનું કામ ન થતા સ્થાનિકો હેરાન પરેશાન થયા હતા. પાઈપલાઈનમાં બીજા દિવસે પ્રેશર સાથે પાણી છોડાતા પાઈપલાઈન ફાટી હતી અને પાણીના ફૂવારા ઊડ્યા હતા. પ્રેશર એટલું વધારે હતું કે, ઈમારતના પાંચમા માળ સુધી પાણી ઊડ્યું અને લોકોના ઘરમાં પાણીની રેલમછેલ થઈ હતી.
બે કલાક સુધી કોઈ અધિકારી ન આવ્યું
સતત બે કલાક સુધી ફૂવારા ઊડતા લોકોના ઘર વગર ચોમાસે પાણી-પાણી થઈ ગયા હતા. એટલું જ નહીં, સોસાયટીના ગેઈટ સુધી પાણી પહોંચતા વગર ચોમાસે વરસાદ પડ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. નિર્મણાધીન મહાદેવ સ્કાયના બેઝમેન્ટ માં પણ પાણી ભરાઈ જતા મુશ્કેલી ઊભી થઈ હતી. તંત્રની આવી બેદરકારી સામે ભોગ લોકોનો લેવાયો હતો. એકતરફ જ્યાં પીવાના પાણીના બચાવ માટે સરકાર પહેલ કરી છે ત્યાં સરકારી તંત્રમાંથી જ પાણીને લઈને મોટી બેદરકારી જોવા મળી છે. વારંવાર પાણી બચાવોની પહેલ સામે કોર્પોરેશન પાણીને લઈ કેટલું ચિંતિત છે એ વાતનું પાણી અહીં મપાઈ ગયું હતું.