પ્રભાસપાટણઃ ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના મંદિરે કાર્તિકી પૂર્ણિમાના મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે મેળો કાર્તિક મહિનામાં બંધ રાખવો પડ્યો હતો.આ મેળો હવે તા. 27 નવેમ્બર એટલે કે માગશર મહિનામાં યોજાઈ રહ્યો છે. જે 1 ડિસેંબર સુધી ચાલશે. 1 ડિસેંબર એ સોમનાથ મંદિરનો સંકલ્પ સિદ્ધિ દિવસ છે.
દેશના પ્રથમ રાષ્ટ્રપતિના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા
સોમનાથ મંદિર દરિયા કિનારે આવેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોધ્ધાર કરવાનો સંકલ્પ કર્યો હતો. 11 મેં 1957ના દિવસે માત્ર ગર્ભગૃહનું નિર્માણકાર્ય પૂર્ણ થયું હતું. દેશના પ્રથમ રાષ્ટ્રપતિના હસ્તે ભગવાન સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એ પછી પણ મંદિરનું કામ ચાલું રહ્યું હતું. દર વર્ષે સંકલ્પ સિદ્ધ દિવસ નિમિત્તે સરદાર વંદના, મહાપૂજા, પુષ્પાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગીતા જયંતિની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.
મોક્ષદા એકાદશી પણ છે
આ વર્ષે 1 ડિસેંબરના રોજ મોક્ષદા એકાદશી છે. ભાવિકો માટે દર્શનની ખાસ વ્યવસ્થા સોમનાથ મંદિરમાં કરવામાં આવી છે. વિશેષ ડોમ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ દિવસે સમગ્ર પરિસર હર હર મહાદેવના નાથ સાથે ગુંજી ઊઠશે. રાત્રીના સમયે ભક્તમય માહોલથી શિવનો મહિમા ગાવામાં આવશે. સૂર-તાલના સંગમ સાથે ભક્તિરસની નદી સાગરના કિનારે વહેતી થશે.માત્ર મેળાનું જ નહીં મંદિરના ડેકોરેશનનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.