Ahmedabad Subhash Bridge: શહેરના સૌથી વ્યસ્ત પૈકી સુભાષ બ્રિજનો એકબાજુનો સ્પાન બેસી જતા નાગરિકો તથા વાહનચાલકો માટે બ્રિજ બંધ કરી દેવાયો છે. તા.5 ડિસેમ્બરના રોજ કોર્પોરેશનની બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમે નદીમાં બોટમાં બેસીને બ્રિજનું નિરિક્ષણ કર્યું છે. હવે બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોનથી સમગ્ર બ્રિજની તપાસ કરવામાં આવશે. સ્પાન બેસી જવાને કારણે સુભાષ બ્રિજ પાંચ દિવસ સુધી બંધ રહેશે. જેના કારણે આજે રાણીપ ડી માર્ટ ચાર રસ્તા, વાડજ દધીચિ બ્રિજ કટ, વાડજ ચાર રસ્તા, દૂધેશ્વર વોટર વર્ક્સ પાસે ટ્રાફિકજામ રહેશે.

વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સુભાષબ્રિજ પહોંચ્યા
વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સુભાષબ્રિજ પહોંચ્યા હતા અને બ્રિજનું નિરિક્ષણ કર્યું હતું. તા.4 ડિસેમ્બરના રોજ સાંજના સમયે સુભાષબ્રિજ અવર-જવર માટે બંધ કરી દેવાયો હતો. આ કારણે અનેક વાહનચાલકો પરેશાન થયા હતા. બીજા દિવસે સુભાષબ્રિજ તરફ જતા નાગરિકો-વાહનચાલકો તો ઘટ્યા છે પણ વાડજ અને રીવરફ્રન્ટ બાજુથી આવતા લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ પરથી ચાલતા કે વાહન સાથે પસાર થવા દેવામાં આવી રહ્યા નથી. સુભાષ બ્રિજ પહોંચેલા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે, બ્રિજના સ્પાનનો એકભાગ બેસી જતા બ્રિજ બંધ કરવાની નોબત આવી છે. મોરબી અને ગંભીરા બ્રિજની ઘટના બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો જાગ્યા નથી. મોરબી અને ગંભીરા બ્રિજની ઘટના બન્યા બાદ તમામ બ્રિજનું નિરિક્ષણ કરવા માટે આદેશ હતા. નાના મોટા થઈને કુલ 82 બ્રિજનું ઈન્સ્પેક્શન કરાયું હતું. આ માત્ર વિઝ્યુઅલ ઈન્સ્પેક્શન જ હતું.આ મામલે કોઈ જ પ્રકારનું પેપર વર્ક થયું નથી. કોર્પોરેશન દ્વાર નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કોર્ટ દ્વારા પણ બ્રિજની તપાસ કરવા માટે આદેશ કરાયા હતા.
અવરજવર ઓછી થઈ ગઈ
સુભાષ બ્રિજ બંધ હોવાથી સવારના સમયે અવરજવર ઓછી થઈ ગઈ છે. ડફનાળા અને એરપોર્ટ તરફ જનારા લોકો રિવરફ્રન્ટના રસ્તેથી જઈ રહ્યા છે. આ કારણે રિવરફ્રન્ટના રસ્તેથી ટ્રાફિક વધારે જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાડજ સર્કલ પાસે ઓવરબ્રિજનું કામ ચાલું છે એવામાં સુભાષબ્રિજ બંધ થતા ટ્રાફિક ડાઈવર્ઝન અહીંથી અપાયું છે. એટલે વાડજ અંદર જવાના રસ્તે અને અખબારનગર જવાના રસ્તે ટ્રાફિક વધારે જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યે વાડજ સર્કલ પાસે વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. સ્પાન એકબાજુથી નમી જતા હવે બ્રિજમાં રીપેરિંગનું કામ કરવાની જરૂર છે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓના નિરિક્ષણ બાદ આ અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. બીજી ગંભીર ખામી જોવા મળશે તો બ્રિજ એક મહિના સુધી બંધ કરવો પડી શકે છે.