હિંમતનગરઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રેરિત જનઆક્રોશ યાત્રાનું મંગળવારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તથા હિંમતનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પરિવાર દ્વારા આ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બુધવારે વાવ-થરાદમાં મોટી સંખ્યામાં લોકો જિજ્ઞેશ મેવાણીના નિવેદનના સમર્થનમાં ઊતર્યા હતા. લોકોએ જિજ્ઞેશ મેવાણી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ એવા નારા લગાવ્યા હતા. સમર્થકો એકઠા થતા જિજ્ઞેશ મેવાણીના નિવેદનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
હિંમતનગરમાં નારેબાજી
હિંમતનગરમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પોલીસ પરિવારે વિરોધ કર્યો હતો. યાત્રા જ્યારે હિંમતનગરના મહાવીર સર્કલ પાસે પહોંચી ત્યારે પોલીસ પરિવારની મહિલાઓએ આ યાત્રા અટકાવી હતી. યાત્રાનો વિરોધ કરીને જિજ્ઞેશ મેવાણી માફી માગે એવી માગ કરી હતી. જિજ્ઞેશ મેવાણી હાય…હાય…એવી નારેબાજી કરી હતી. મામલો ગરમાયો છે એવા સમયે વાવ-થરાદના લોકોએ જિજ્ઞેશ મેવાણીનો સાથ આપ્યો છે. પોલીસ પરિવારની મહિલાઓનું કહેવું છે કે, મેવાણી પોલીસ સામે આવીને માફી માગે
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નિવેદન
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમે પોલીસને પણ કહેવા માગીએ છીએ કે, મુશ્કેલી તો એમને પણ પડવાની છે. જે પોલીસ ખોટું કરે છે એને તકલીફ પડવાની છે. જે પ્રમાણિકતાથી અને બંધારણ અનુસાર કામ કરે છે એમને કોઈ ચિંતા નથી. જે હપ્તા ઉઘરાવે છે, દારૂ-ડ્રગ્સના નામે પોતાના શોખ પૂરા કરે છે. ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડવા માટે વહીવટદારો બની બેઠા છે આ એમનો બળાપો છે.