ધર્મ ડેસ્કઃ અનેક એવા શિવાલય ભારતભરમાં જોવા મળે છે. મોટાભાગના શિવાલયમાં શિવ લીંગ સ્વરૂપે પૂજાય છે. ઘણા ઓછા એવા સ્થાનક હોય છે, જ્યાં શિવજી મૂર્તિ સ્વરૂપે પૂજાય છે. દેશના દરેક શિવમંદિરનું એક આગવું મહત્ત્વ છે, દરેક મંદિર સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. પાડોશી રાજ્ય રાજસ્થાનના જાલૌર જિલ્લામાં રામસીન દેવનાગરી નામના કસ્બામાં પ્રભુ શિવનું અદભૂત મંદિર છે. જેને આપનાથ મહાદેવથી ઓળખવામાં આવે છે.
પ્રાચીન મૂર્તિ
રામસીમ આપેશ્વર મહાદેવ મંદિરમાં શિવજી કોઈ લીંગ રૂપે નહીં પણ મૂર્તિના સ્વરૂપે પૂજવામાં આવે છે. જ્યાં 365 ઘડાથી શિવનો અભિષેક કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, શિવજીની આ પ્રતિમા ખોદકામ દરમિયાન મળી આવી હતી. આ મૂર્તિ આપોઆપ ઉપર આવી હોવાને કારણે આપનાથ મહાદેવ નામ પડ્યું છે. જે પછીથી આપેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા છે. શ્રાવણ મહિનામાં આ શિવજીના દર્શન કરવા માટે ભારતભરમાંથી ભાવિકો આવે છે. એક એવી પણ વાત સ્થાનિકો જણાવે છે કે, બ્રાહ્મણ વ્યાસ વંશજ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
હળ અટવાઈ ગયું ત્યાં મૂર્તિ મળી
એક દંતકથા આ મંદિર સાથે એવી જોડાયેલી છે કે, અહીં જ્યારે કોઈ ખેડૂત ખેતી કરવા માટે આગળ વધ્યે એ સમયે એનું હળ અટકી ગયું હતું.ખેડૂતે અનેક એવા પ્રયાસ કર્યા બાદ પણ હળ આગળ વધ્યું નહીં. એ પછી ખેડૂતનો પરિવારે વ્યાસ સમાજના જાગીરદારને આ વાત જણાવી. જાગીરદારે સ્થળ તપાસ કરતા જોયું તો હળ અટકેલું હતું. ઓજારો સાથે ખોદકામ શરૂ કરતા ઘર્ષણ થયાનો અવાજ આવ્યો હતો. હાથ વડે ખોદકામ કરતા અંદરથી પાંચ ફૂટની શિવજીની મૂર્તિ મળી આવી હતી. વ્યાસ વંશજોએ મૂર્તિને પગેલાગી મંદિર બનાવવા માટે આહવાન કર્યું.
મહાશિવરાત્રીનો મેળો
આપેશ્વર મંદિરે મહાશિવરાત્રીનો મેળો ધામધૂમથી ઉજવાય છે. શ્રાવણ મહિનામાં મંદિરને રંગબેરંગી ફૂલથી સજાવવામાં આવે છે. રાત્રીના સમયે ભજનની રમઝટ અને કિર્તન કરવામાં આવે છે. 365 ઘડાનો વિશેષ અભિષેક કરવામાં આવે છે. આ જોવા માટે ભારતભરમાંથી ભાવિકો આવે છે. મહાશિવરાત્રીના દિવસે આ અભિષેક કરવામાં આવે છે. આ સિવાય હરિયાળી અમાસ અને શ્રાવણ મહિનાની અમાસના દિવસે આ અભિષેક કરવામાં આવે છે. સમગ્ર મંદિર રાજસ્થાની શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે. જે રીતે રાજસ્થાનના કિલ્લામાં જે કોતરણી હોય એવી કલા આ મંદિરમાં જોવા મળે છે.