ગીર સોમનાથઃ સુત્રાપાડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં દુષ્કર્મ કરીને છુપાતા ફરતા આરોપીને પોલીસે યોજના બનાવીને પકડી પાડ્યો છે. આ સમગ્ર યોજના કોઈ ફિલ્મી સિન કરતા કમ નથી. ગીર સોમનાથની ક્રાઈમ બ્રાંચે એક ટીમ તૈયાર કરી બિહાર મોકલી હતી. જ્યાં પોલીસ જાનૈયા તરીકે રહી અને આરોપીને ચોક્કસ જાણકારી મેળવીને ઘર સુધી પહોંચી હતી. પછી સ્થાનિક પોલીસની મદદથી દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.
છુપાતા ફરતા આરોપીઓની યાદી તૈયાર
તા.01/12/2022ના રોજ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ટોપ -05 આરોપીઓ કે, જેઓ કોઈને કોઈ ગુનામાં છુપાતા ફરતા હોય એની ચોક્કસ યાદી તૈયાર કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન અનુસાર સચોટ ટેકનિકલ એનાલીસીસ આધારે IPC કલમ 363, 366, 376 મુજબના ગુનામાં આરોપી તલીમનાડુ રાજ્યમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેને ધ્યાન લઈ, ટીમ તૈયાર કરીને તમિલનાડું મોકલવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.વી.રાજપુત તે આ આરોપીને પકડી પાડવા એક ટીમ બનાવી હતી, પણ આરોપી બિહાર તરફ ભાગી ગયો હોવાનું ટેકનિકલ ટીમ પાસેથી જાણવા મળતા મુંબઈ પહોંચેલી ટીમને બિહારના મુઝફફરપુર રવાના કરવામાં આવી.
લગ્નમાં જાનૈયા તરીકે જોડાયા
ક્રાઈમ બ્રાંચની ટીમ બિહારમાં આરોપીના વતનમાં પહોંચતા લગ્ન સીઝન હોવાથી આરોપીને પકડવો પડકારજનક બન્યું હતું કારણ કે, બિહારના વતનીઓ મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગ નિમિત્તે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવતા હોય છે. ટીમે આરોપીના ચોક્કસ રહેઠાણની વિગત એકઠી કરી અને મુઝફફરપુર રવાના થઈ. જ્યાં સાહેબગંજ નામનો વિસ્તાર મુખ્ય શહેરથી 4 કિમી દૂર હતો અને રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. પગપાળા 04 કી.મી. ચાલી આ જંગલ વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટી, આજુબાજુ ચાલતા વિસ્તારમાં ચાલતા લગ્નમાં તપાસ કરવામાં આવી.
સ્થાનિકોને ખબર ન પડે એ રીતે પૂછપરછ કરાઈ
પોલીસ ટીમે પોતાની ઓળખ છુપાવી લગ્નમાં આવેલ મહેમાન તરીકે ફેલાય જઇ દિવસભર રેકી કરી હતી. પછી કેટલાક સૉર્સમાંથી ચોક્કસ બાતમી મેળવીને રાત્રીના સમયે સ્થાનિક પોલીસને આ બાબતેની હકીકત જણાવી. સ્થાનિક પોલીસે આ કેસમાં મદદ કરતા આરોપીને વિનયકુમાર સોહન મહતોને બિહાર રાજ્યના મુઝફફરપુર જિલ્લામાંથી પકડી લેવામાં આવ્યો હતો. પછી ત્યાંથી ગુજરાત લાવવામાં આવ્યો હતો.