ધર્મ ડેસ્કઃ પ્રભુનું સ્મરણ કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ માળા છે. માત્ર હિન્દુ ધર્મ જ નહીં અન્ય ધર્મમાં પણ માળાની પ્રણિલિકા જોવા મળે છે જોકે, જુદી-જુદી રીત હોવાથી ધર્મમાં માળા એકબીજાથી અલગ પડે છે. મુંડાક ઉપનિષદમાં જણાવ્યા અનુસાર રથના પૈડાંની નાભીમાં જેમ આરાઓ મળેલા રહે છે એમ શરીરની અંતર્વાહિની નાડીઓ હ્રદયા સાથે જોડાયેલી રહે છે. હ્દય એ પરમાત્માનું નિવાસ સ્થાન મનાય છે. જ્યારે અગ્નિપુરાણમાં જણાવ્યા અનુસાર જે મંત્રોચ્ચાર થાય છે એની ચોક્કસ ગણતરી થવી જ જોઈએ. ગણ્યા વગરના મંત્રો સફળ થતાં નથી.
ઋષિઓએ શોધી કાઢ્યો ઉપાય
નામ જપ એ ભક્તિ સંપ્રદાયનું આગવું અંગ છે. ઋષિકાળમાં ભાવિકો ભક્તિ તરફ વળ્યા હતા. સમસ્યા જપ ગણનાની થઈ હતી. એ પછી ઋષિઓએ ઉપાય શોધ્યો એ પછી માળામાં 108 મણકા આવવાનું શરૂ થયું એવું માનવામાં આવે છે. 108 મણકા અને સૂર્યની કળા વચ્ચે સીધો સંબંધ છે. માળાનો એક એક મણકો સૂર્યની કળાના પ્રતીક છે. એક વર્ષમાં સૂર્ય 216000 કળા બદલે છે. વર્ષમાં બે વખત સૂર્ય પોતાની વાસ્તવિક સ્થિતિ પણ બદલે છે. છ મહિના સુધી ઉત્તરાયણ અને છ મહિના સુધી દક્ષિણાયન ચાલે છે.
જાપ કરવા શક્ય બન્યા
સૂર્ય છ મહિનામાં એક વખત 108000 વખત કળા બદલે છે.આ આધાર પર સંખ્યામાં અંતિમ 3 શુન્ય દૂર કરી સંખ્યા 108 નક્કી કરવામાં આવી છે. એક એવી પણ વાત છે કે, સામાન્ય રીતે માણસ એક દિવસમાં 21600 વખત શ્વાસ લે છે. 12 કલાક દૈનિક કાર્યો પાછળ ખર્ચાય છે. શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ 12 કલાકમાં 108000 વખત ઈશ્વરનું નામ લેવું જોઈએ. પણ આટલા જાપ કરવા શક્ય નથી. તેથી અંતિમ ત્રણ શુન્ય દૂર કરીને 108ની સંખ્યા નક્કી કરવામાં આવી છે. માળામાં જ્યાં ફૂલ કે રેશમનો મણકો હોય છે એને સુમેરુ કહેવામાં આવે છે. અહીંથી જાપ શરૂ થાય છે અને અહીંયા જ ખતમ થઈ જાય છે. સુમેરૂ આવે ત્યાં જાપ અટકાવી દેવા જોઈએ એને પાર ન કરવું જોઈએ. આ રીતે મણકા શોધાયા અને જાપ કરવાની યોગ્ય રીત અમલમાં આવી હતી