ધર્મ ડેસ્કઃ જે રીતે મંદિરમાં પૂજા કરવાના, દેવી-દેવતાઓની પૂજા કરવાના અને પિતૃપૂજાના નિયમો છે એમ પ્રભુને ભોગ અર્પણ કરતી વખતે ઘંટડી વગાડવાના પણ નિયમો છે. શાસ્ત્રોમાં ઘંટડીને શુભ માનવામાં આવી છે. જ્યારે મંદિરમાં ઘંટ એક પોઝિટિવ વાઈબ્રેશનનું પ્રતીક છે.પૂજા કરીને ભોગ અર્પણ કરવાનો નિયમ છે. મંદિરમાં ઘંટ વગાડવાના અને ઘરમાં ઘંટડી વગાડવાના કેટલાક નિયમો છે. ગમે ત્યારે ગમે ત્યાં ઘંટનાદ કરી શકાતો નથી.
આધ્યાત્મિક સિદ્ધાંત છે
ઘંટનાદને લઈને કેટલાક આધ્યાત્મિક સિદ્ધાંતો પણ છે. ખાસ કરીને ભોગ અર્પણ કરતી વખતે આ નાદ કરવામાં આવે તો દેવી દેવતાઓ સુધી આ ભોગ પહોંચે છે. ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે સૃષ્ટિનું સર્જન થયું એ સમયે ઘંટનાદ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર સૃષ્ટિમાં ગુંજતો હતો. એવું પણ માનવામાં આવે છે કે, ઘંટનાદ કરવાથી ઓમકાર મંત્રનો જાપ પૂરો થાય છે.કોઈ પણ મંદિરમાં જઈને ઘંટ વગાડવાથી જે તે મૂર્તિમાં જાગૃતિ આવે છે. જેના કારણે એની પૂજામાં મોટી અસરકારકતા આવે છે. સકારાત્મક ઊર્જા વધે છે.
વાયુ છે માધ્યમ
ભોગ અર્પણ કરવા માટે વાયુદેવનું આહ્વાન કરવામાં આવે તો ફાયદો થાય છે. કોઈ પણ પ્રભુ વાયુ એટલે કે ગંધના માધ્યમથી પ્રસાદને સ્વીકાર છે. ધર્મ ગ્રંથ અનુસાર વાયુના મુખ્ય પાંચ તત્વો છે. જેમાં વ્યાન વાયુ, ઉદાન વાયુ, સમાન વાયુ, અપાન વાયુ અને પ્રાણ વાયું. પ્રસાદ આપતી વખતે પણ આ પાંચેય વાયુનું સ્મરણ ખૂબ જ ગુણકારી હોય છે.તેથી ભોગ અર્પણ કરતી વખતે પાંચ વખત ઘંટ કે ઘંટડી વગાડવામાં આવે છે.
દેવ-દેવતા કરે છે સ્વીકાર
પાંચવાર ઘંટ વગાડ્યા બાદ દેવી દેવતાઓ ભોગનો સ્વીકાર કરે છે.ઘણીવાર નૈવેદ્ય અર્પણ કરતી વખતે પણ ઘંટ વગાડવામાં આવે છે. ખાસ ધ્યાન એ રાખવું કે મંદિરમાંથી પરત ફરતી વખતે ક્યારેય ઘંટ ન વગાડવો. આવું કરવાથી મંદિરની સકારાત્મક ઊર્જા પાછળ રહી જાય છે અને ભક્ત મંદિરમાંથી પસાર થાય ત્યારે એ ઊર્જાનો એનામાં સંચાર થતો નથી.તેથી મંદિરમાં પ્રવેશતી વખતે જ ઘંટનાદ કરવો જોઈએ.