ગાંધીનગરઃ ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત તમામ વિભાગો સાથે ખાસ બેઠક યોજીને સ્વદેશી અપનાવવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો. ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સ્વદેશી એપ મેપલ્સ સાથે ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ સેફ્ટી માટે ખાસ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.
સ્પીડ લિમિટ આપવામાં આવી
મેપલ્સ (Mapmyindia) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિકલક્ષી ખાસ ફિચર્સ અપડેટ કરવામાં આવ્યા છે. હવે નાગરિકો/ વાહનચાલકોને નેવિગેશનની સાથે સાથે આ એપ બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરી અપડેટ આપશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરો પાડવામાં આવેલા બ્લેક સ્પોટ્સ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્વારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે. તે ઉપરાંત વાહનચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી અંદાજ આવી જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પીડ લિમિટ પણ આ એપમાં અપડેટ કરવામાં આવી છે.
ટ્રાફિકની લાઈવ અપડેટ મળશે
MoU મુજબ, ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે, જેમાં બંધ કરાયેલા રોડ અંગેની માહિતી (Road Closures), પ્લાન્ડ રોડ કન્સ્ટ્રક્શન/રીપેર એક્ટિવિટિઝ તથા રેલીઓ અને અન્ય કાર્યક્રમોની માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે. જેની જાણ નાગરિકોને થતા તેઓ વૈકલ્પિક રૂટ પસંદ કરી શકશે. તમામ જિલ્લાના પોલીસને આ હેતુ માટે બનાવેલા વોટ્સએપ ગ્રુપ દ્વારા મેપમાયઇન્ડિયાને ઇનપુટ્સ કેવી રીતે આપવા તેની તાલીમ આપવામાં આવી છે.
નાગરિકોને અપીલ
ડેટા અપડેશનનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાત પોલીસ વાહનચાલકો માટે તેમની મુસાફરી વધુ અનુકૂળ બનાવવા માટે રીઅલ-ટાઇમમાં વધુ સારા ટ્રાફિક અપડેટ્સ આપવા માટે મેપમાયઇન્ડિયા સાથે સતત કાર્ય કરી રહી છે. કસ્ટમાઇઝ્ડ ટ્રાફિક અપડેટ્સ મેળવવા અને વધુ સારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોને મેપમાયઇન્ડિયા (Mapmyindia) એપનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.