અમદાવાદઃ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા) દ્વારા ગુજરાત ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા બ્રહ્મ સમાજ અને બ્રહ્મ મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક તેમજ જાતિવિષયક ટિપ્પણીનો સખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેને લઈને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ટ્રસ્ટી હેમાંગ રાવલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સાર્વજનિક મંચ પર બ્રહ્મ સમાજની મહિલાઓ વિરુદ્ધ અશોભનીય અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેથી સમગ્ર બ્રહ્મ સમાજની લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે.
નિવેદનની સખત નિંદા
ટ્રસ્ટી હેમાંગ મહિપતરામ રાવલ દ્વારા આ નિવેદનની સખત નિંદા કરવામાં આવી છે, તેમણે જણાવ્યું હતું કે,”ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદન નીચલી કક્ષાનું, જાતિવાદી અને સનાતન સંસ્કૃતિની વિરુદ્ધમાં છે. બ્રહ્મ સમાજ, જે હંમેશા ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યોને વરેલો રહ્યો છે, તે આ પ્રકારનું ઘોર અપમાન ક્યારેય સહન નહીં કરે. બ્રહ્મ સમાજ વિશે અશોભનીય શબ્દો ઉચ્ચારી એમણે માત્ર મહિલાઓનું જ નહીં, પરંતુ સમગ્ર સમાજનું અપમાન કર્યું છે.” આ ઘટના જે વિસ્તારમાં બની છે, ત્યાં ભાજપના જ કેટલાક બ્રહ્મ આગેવાનો, જેમ કે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટા, સંસદ સભ્ય હેમાંગ જોષી, અને બાલુ શુક્લા જેવા આગેવાનો હોવા છતાં, તેઓ ધર્મેન્દ્રસિંહની ટિપ્પણી વિરુદ્ધ મૌન સેવી રહ્યા છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.
બ્રહ્મ સમાજની માંગ
આ આગેવાનો ભારતીય જનતા પક્ષને નતમસ્તક થઈને બ્રહ્મ સમાજના હિતો વિરુદ્ધ વર્તી રહ્યા છે. બ્રહ્મ સમાજ સ્પષ્ટપણે માંગણી કરે છે કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમની જાતિવાદી અને મહિલાઓના અપમાનજનક ટિપ્પણી બદલ તાત્કાલિક અને બિનશરતી માફી માંગવી જોઈએ. જો તેઓ સાર્વજનિક રીતે માફી નહીં માંગે, તો સમાજનું આંદોલન વધુ ઉગ્ર બનશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્રહ્મ સમાજ અને ક્ષત્રિય સમાજ હંમેશા એકબીજાના પૂરક રહ્યા છે અને સનાતન ધર્મના સ્તંભ સમાન છે. આ સંદર્ભમાં, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજના કહેવાતા આગેવાન દ્વારા વપરાયેલા આ જાતિ વિરોધી અને વિભાજનકારી શબ્દોને સમગ્ર ક્ષત્રિય સમાજ પણ ક્યારેય સહન નહીં કરે અને સમગ્ર સનાતની સમાજ આ અપમાનની વિરુદ્ધમાં એકજૂથ થઈને ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ટિપ્પણીનો સખત વિરોધ કરશે.
ક્લેક્ટરને આવેદન પત્ર
ટૂંક સમયમાં જ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપીને ધારાસભ્ય વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવશે અને સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે જાતિવિષયક અપમાન અને મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી બદલ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે. “બ્રહ્મ સમાજ આ મુદ્દે શાંત બેસશે નહીં અને જ્યાં સુધી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા માફી નહીં માગે તો તેમની સામે સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આંદોલન ચાલુ રાખવામાં આવશે.