નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલે વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાના માસ્ટરમાઈન્ડ ગણાવી ફાંસીની સજા ફટકારી છે. હત્યા માટે ઉશ્કેરવા અને આદેશ બદલ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. એમની સાથે અન્ય આરોપી અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાનને 12 લોકોની હત્યાના દોષિત તરીકે જાહેર કર્યા છે. બન્નેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જોકે, આ સજા જાહેર થતાં કોર્ટરૂમમાં તાળીઓ પડી હતી.
હસિનાની ગેરહાજરીમાં ચૂકાદો
કોર્ટે શેખ હસિનાની ગેરહાજરીમાં ચૂકાદો જાહેર કર્યો છે. બાંગ્લાદેશ છોડ્યા બાદ તેઓ ભારતમાં શરણાર્થે આવ્યા હતા. સમગ્ર કેસ ગતવર્ષે બાંગ્લાદેશમાં થયેલા વિદ્યાર્થી આંદોલનને લઈ ફાઈલ કરાયો હતો. ચૂકાદો જાહેર થતાં બાંગ્લાદેશમાં ફરીવાર હિંસા ભડકી છે. જેને લઈને યુનુસ સરકારે હાઈએલર્ટ જાહેર કર્યું છે. જુલાઈ 2024માં આર્થિક કટોકટી, ભ્રષ્ટાચાર અને રોજગાર સંકટને લઈ વિદ્યાર્થીઓએ કરેલા વિરોધ પ્રદર્શનને લઈ શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. પછી એઓ 5 ઓગસ્ટના રોજ ભારત આવી ગયા હતા અને યુનુસ સરકાર સત્તા પર આવી. સંયુક્ત રાષ્ટ્રના એક રીપોર્ટ અનુસાર આ આંદોલનમાં આશરે 1400 લોકો મૃત્યું પામ્યા હતા.
માનવ અધિકાર સમિતિની તપાસ
સંયુક્ત રાષ્ટ્રની માનવઅધિકાર સમિતિ એ જણાવ્યું હતું કે, હસીના તથા એમની સરકારે સત્તા જાળવી રાખવા માટે વિરોધ કરનારા લોકો પર બળ પ્રયોગ કર્યો હતો. કોર્ટમાં જ્યારે કેસ થયો એ સમયે શેખ હસીનાને ભારતથી ફરી બાંગ્લાદેશ આવવા માટે સૂચના આપી હતી પણ એઓ કોઈ રીતે હાજર થયા ન હતા. ફરી બાંગ્લાદેશ જવા પર હસીનાએ ઈન્કાર કર્યો હતો. જોકે, વિરોધ કરનારા લોકો પર ગોળીબાર કરનારા નિવેદનોને તે નકારી રહ્યા છે. આરોપનું ખંડન કરતા રહ્યું હતું કે, વિરોધ કરનારા લોકો પર ગોળીબારના કોઈ આદેશ આપેલા જ ન હતા. આ કેસમાં પુરાવાઓના 10 હજાર પાનાઓનો દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યારે 80થી વધારે સાક્ષીઓનું નિવેદન તથા વિડિઓ પુરાવા એકત્ર કરી રજૂ કરાયા હતા.
ભાગેડૂં જાહેર કરાયા
કોર્ટે બન્ને નેતાઓને ભાગેડું જાહેર કર્યા છે. બાંગ્લાદેશના મહાનગર ઢાંકામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. વકીલ ગાઝી તમીમે જણાવ્યું હતું કે, કોર્ટ પાસે હસિનાને કડક અને વધારે સજા મળે એવી અપીલ કરવામાં આવી હતી. આ સાથે દોષિતોની સંપત્તિને જપ્ત કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાંથી મળનારી રકમ વિરોધ પ્રદર્શનના પીડિતોને આપવામાં એવી માંગ કરવામાં આવી હતી. હવે હસીના ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ ત્યાં સુધી નહીં કરી શકે જ્યાં સુધી તે આત્મસમર્પણ ન કરે અથવા ચૂકાદાના એક મહિનામાં સરેન્ડર ન કરે. જોકે, હકીકત એવી પણ છે કે, યુનુસ સરકાર જ્યારે સત્તા પર આવી ત્યારે આ આંદોલનની તપાસ કરતી સમિતિને બંધ કરી દેવામાં આવી હતી.
શેખ હસીનાનું મોટું નિવેદન
શેખ હસીનાએ સમગ્ર કેસ અંગે નિવેદન આપતા કર્યું હતું કે, ટ્રિબ્યુનલે લગાવેલા આરોપો પાયાવિહોણા છે. એક પણ આરોપ સાચો નથી. જુલાઈ-ઓગસ્ટ 2025માં થયેલી હિંસાને લઈને ફાઈલ થયેલા કેસનો હેતું ન્યાય નહીં પણ રાજકીય રીતે બદલો લેવાનો રહ્યો હતો. આ કેસ આવામી લીગને આરોપી સાબિત કરવા થયેલો.સરકારની નિષ્ફળતાઓ પર દુનિયાનું ધ્યાન બીજે દોરવા થયેલો હતો. અમારો મત વ્યક્ત કરવા માટે નિષ્પક્ષ તક પણ આપવામાં આવી નથી.